ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસેને દિવસે તસ્કરોનો ઉપદ્રવ વધતો જતો હોઇ, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તાલુકાની સીમમાં પણ અવારનવાર સિંચાઇના સાધનો તેમજ વીજ ઉપકરણો ચોરાતા હોવાથી ખેડૂત આલમ ચિંતિત બન્યો છે. તાલુકાના ગોવાલી ગામે ઘરના વાડામાંથી સિંચાઇ સાધનો ચોરાવાની ઘટના બનતા ચોરીઓની પરંપરા યથાવત રહેવા પામી છે.
મળતી વિગતો મુજબ તાલુકાનાં ગોવાલી ગામે રહેતા માર્ટીન જયંતીભાઈ પટેલ ખેતી કરે છે. તેમણે ખેતીમાં સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશનના પીવીસીના પાઈપો ખરીદ કર્યા હતા. આ પાઇપોના વપરાશ બાદ તેઓ પાઇપો તેમના ઘરના વાડામાં આવેલા ડેલામાં મુકતા હતા. ગઇકાલે વહેલી સવારે ખેડૂત વાડામાં રાખેલ પાઇપો ખેતર લઈ જવા માટે ગયા હતા, ત્યારે ડેલામાં આગળનો મુખ્ય દરવાજો ખુલ્લો જણાયો હતો. તેમાં મુકેલ સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. તપાસ કરતા સામાન ચોરાયો હોવાનું જણાયું હતું. કોઇ અજાણ્યા તસ્કરો ઘરના વાડાના ડેલામાંથી ડ્રીપ ઈમીટીંગ પાઇપ ૪૦૦ મીટર તથા પીવીસી પાઇપ ૨૦ નંગ ચોરી ગયા હોવાની ખાતરી થઇ હતી. ચોરીની આ ઘટનામાં રૂ. ૨૫,૨૦૦ જેટલા સિંચાઇના સાધનો ચોરાયા હતા. ચોરીના આ બનાવ અંગે માર્ટીન જયંતીભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ચોરી કરનાર અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ