ઝારખંડના બોકારોમાં આજે વહેલી સવારે મોહરમનું જુલુસ નીકળતી વખતે એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી જતાં કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. અહીં બેરમો વિસ્તારના ખેતરોમાં સવારે 6.00 વાગ્યે કેટલાક લોકો મોહરમના તાજિયા લઈ રહ્યા હતા ત્યારે 11000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા. જે બાદ વીજ કરંટ લાગવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજિયાને લઇ જતી વખતે ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટની હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સાથે જ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કુલ 13 લોકો ઘાયલ થયા છે જેમાંથી ચારના મોત થયા છે. જ્યારે સાતની હાલત ગંભીર છે અને બે લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ પરિવારજનો અને ખેતરોમાં રહેતા લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી.