ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલી વર્ધમાન એક્રેલિક નામની કંપનીમાં કામદારોના યુનિયન દ્વારા કોરોનાગ્રસ્ત કામદારોના કેસમાં હોસ્પિટલનો તમામ ખર્ચ કંપની દ્વારા અપાય તેવી માંગણી કંપની મેનેજમેન્ટ સમક્ષ કરવામાં આવી હતી. કામદારનો કોવિડ ૧૯ કેસનો દવાખાનાનો તમામ ખર્ચ કંપની દ્વારા ચૂકવવામાં આવે અને જો કોઈ કેસમાં કામદારને હોમ કોરન્ટાઇન કરવામાં આવે તો તે કામદારની હાજરીને પ્રેઝન્ટ ગણી તેનો પગાર ચૂકવવામાં આવે, એવી માંગ કરી હતી.
જણાવાયા મુજબ કંપનીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અને કોરોના એક્ટિવ કેસની જાણકારી પણ મેનેજમેન્ટ દ્વારા કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી નથી. કોરોના સંક્રમિત કામદારને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવે તો સારવારનો ખર્ચ ખૂબ મોટો હોય છે, પરંતુ કંપની દ્વારા રૂ. ૫૦ હજારનો વીમો આપવામાં આવ્યો છે તે અપૂરતો છે. વળી કામદારોનું પગાર ધોરણ પણ ઓછું હોવાથી સારવારનો લાખો રૂ.નો ખર્ચ કામદાર કરી શકે તેમ નથી. આવા સંજોગોમાં દર્દીનું મોત પણ થઈ શકે છે અને મરણ પામનાર કામદારના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડે છે. આ બધી ચર્ચા કંપની મેનેજમેન્ટ ના અધિકારી સાથે કરતા તેમણે ૧૭/૪/૨૧ સુધીનો સમય માંગીને જણાવ્યું હતું કે કંપનીના ઉપરી અધિકારીઓ સાથે વાત કરીને ઉપર જણાવેલ મુદ્દાનું નિરાકરણ લાવીશું. પરંતુ તેનું કોઇ નિરાકરણ નહીં આવતા આજરોજ કંપનીના પહેલી શિફ્ટના કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું એલાન કર્યું હતું. જ્યારે આ બાબતે કંપનીએ પણ એક નોટિસ પાઠવીને કામદારોને જણાવ્યું હતું કે યુનિયન દ્વારા આપવામાં આવેલ માંગણીઓનું નિવેદન ચાર્ટર ઓફ ડિમાન્ડ હાલમાં કાયદાના જોગવાઈ મુજબ સમાધાન અધિકારી ભરૂચ હેઠળ કાર્યવાહીમાં છે. સમાધાનની કાર્યવાહી સિવાય પણ મેનેજમેન્ટ અને યુનિયન પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન કરવાના પ્રયત્નો ચાલુ છે. તદુપરાંત મેનેજમેન્ટ દ્વારા વાતચીતના પ્રયત્ન ચાલુ રાખીને વ્યાજબી સમાધાન સુધી પહોંચવાની તૈયારી બતાડેલ છે.
આજરોજ તા. ૧૯ મીથી યુનિયન દ્વારા પ્રથમ પાલીને હડતાલ પર જવાનું કહેવામાં આવેલ છે. આ અંગે નોટિસ દ્વારા આપ સૌને જાણ કરવામાં આવે છે કે ઉપર જણાવ્યા મુજબ જ્યારે સમાધાનની કાયદેસરની કાર્યવાહી ચાલતી હોય ત્યારે આંશિક કે સંપૂર્ણ હડતાલ ઉપર જવું એ અત્યંત ગંભીર પ્રકારનું ગેરવર્તન ગણવામાં આવશે. જે ગેરકાનૂની તથા ગેરકાયદેસર ગણાશે. આથી હડતાળમાં જોડાયેલા તમામ કામદારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની મેનેજમેન્ટની ફરજ પડશે જેની ગંભીરતાથી નોંધ લેવા જણાવાયુ હતુ. ગેરકાયદેસર હડતાળમાં ભાગ લેનાર કામદારોને તેના ગંભીર પરિણામો જેવા કે કપાત પગાર તથા અન્ય કાયદાકીય નુકસાન પણ ભોગવવું પડશે. આ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ