ફરિયાદીને પાવડો તથા લાકડી મારી ઇજા કરાતા પોલીસમાં ફરિયાદ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કડવા તળાવ ગામ તલોદ્રાના દિલીપભાઇ ગંભીરભાઇ પટેલ ઝઘડીયા જીઆઇડીસીમાં નોકરી કરે છે.આજરોજ સવારે નવ વાગ્યાના અરસામાં દિલીપભાઇ નોકરીએ જતા હતા ત્યારે ગામમાંથી જતી વખતે ફળીયામાં રહેતા હરેશભાઇ જગદીશભાઇ પટેલ હાથમાં પાવડો પકડીને અને શૈલેષભાઇ ઠાકોરભાઇ પટેલ હાથમાં લાકડી લઇને ઉભા હતા.અને દિલીપને રોકીને કહેતા હતાકે અમારી શેરડી કાલે તેંજ સળગાવી દીધી છે,તેમ કહીને ગાળો બોલતા હતા.દિલીપે તેમને જણાવેલ કે તમે મારુ ખોટુ નામ લો છો.ત્યારે બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને હરેશભાઇએ તેના હાથમાંનો પાવડો જમણા હાથે મારી દીધો હતો.તેની સાથેના શૈલેષભાઇએ લાકડીનો સપાટો મારી દીધો હતો.ત્યારબાદ કરશનભાઇ છગનભાઇ પણ તેના હાથમાં ધારીયુ લઇને આવી ગયો હતો.અને દીલીપના ભાઇ અલ્પેશને ગમેતેમ ગાળો બોલી મારવા માટે ધારીયુ ઉગામતો હતો.અને હરેશભાઇએ દીલીપના ભાઇ રજનીકાંત પર ફોર વ્હીલ ગાડીનો કાચ તોડવાનો આક્ષેપ કર્યો હતો.આ ઝઘડા દરમિયાન ફળીયાના હંશાબેન પટેલ નામની મહિલા પણ ત્યાં આવીને આ લોકોને ગાળો દીધી હતી.આ હુમલામાં દીલીપભાઇ ને ઇજાઓ થતાં લોહિ નીકળ્યુ હતુ. બાદમાં દિલીપભાઇ ગંભીરભાઇ પટેલ રહે.ગામ કડવા તળાવ તા.ઝઘડીયાએ હરેશભાઇ જગદીશભાઇ પટેલ,શૈલેષભાઇ ઠાકોરભાઇ પટેલ,કરશનભાઇ છગનભાઇ પટેલ અને હંશાબેન જગદીશભાઇ પટેલ તમામ રહે.ગામ કડવા તળાવ તા.ઝઘડીયા જિ.ભરૂચ વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી