ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજરોજ સવારના એક પશુપાલકના ચાર જેટલા બકરાઓ મૃત હાલતમાં તેમજ અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ સારસા ગામે નવી વસાહતમાં રહેતા મહેશભાઇ મુળજીભાઇ વસાવા પોતાના ઘરે બકરીઓ રાખીને પશુપાલનનો વ્યવસાય કરે છે. આજે સવારે તેઓ જાગીને બહાર આવ્યા ત્યારે ઘર નજીક કોઢિયામાં બાંધેલ બકરાઓ પૈકી ચાર બકરાઓ મૃત હાલતમાં જણાયા હતા. ઉપરાંત અન્ય એક ગળાના ભાગે જખ્મી થયેલ હોવાની જાણ થઇ હતી. આ મૃત હાલતમાં મળેલ બકરાઓ પર કોઇ હિંસક પ્રાણીએ હુમલો કરતા બકરાઓનું મોત થયુ હોવાની સંભાવના પશુપાલક મહેશભાઇએ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પંથકમાં અવારનવાર દિપડા દેખાતા હોય છે, ત્યારે કોઇ દિપડા દ્વારા બકરાઓ પર હુમલો કરાતા તેમનું મોત થયુ હોવાની સંભાવના મહેશભાઇએ વ્યક્ત કરી હતી. બે બકરા કોઢિયામાં તેમજ બે કોઢિયાની બહાર મૃત હાલતમાં પડેલા જણાયા હતા. આ ઘટનાની વનવિભાગને જાણ કરાતા રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ વસાવાએ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ચાર બકરાના મોત થવા ઉપરાંત અન્ય એક ગળાના ભાગે દાંત વાગ્યા હોય એમ જખ્મી હાલતમાં જણાયુ હતુ. એકસાથે ચાર બકરાઓના મોત થવાથી આ ગરીબ પશુપાલકને અાર્થિકરીતે મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ