ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ રાગિણીબેન પરમારની અધ્યક્ષતામાં ગતરોજ ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર પાઠવી નવી આવેલ યોજનાઓની કામગીરી icds માંથી રદ કરવા રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો આંગણવાડી કેન્દ્ર પર સાફ સફાઈ, સવારનો નાસ્તો ફળ, બપોરનો નાસ્તો, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા વિવિધ પ્રવૃતિઓ જેવી કે સુપોષણ સંવાદ, બાળકોના વજન ઉંચાઇ, સગર્ભાના વજન ઉંચાઇ, અન્નપ્રાશન દિવસ, અન્ન વિતરણ દિવસ, મમતા દિવસ, રજીસ્ટરો નિભાવવા, ગૃહ મુલાકાત, મીટીંગો, ટ્રેનિંગની કામગીરી જેવી વિવિધ ફરજો બજાવે છે. આ કામગીરી સાથે સાથે ફોનમાં પોષણ ટ્રેકરની પણ કામગીરી કરવામાં આવે છે. હાલમાં નવી પોષણ સુધા યોજના અને સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાની કામગીરી સોંપવામાં આવી છે, જેથી ઉપરોક્ત જણાવેલ તમામ કામગીરીમાં પૂરતો સમય આપી શકાશે નહીં, તથા તેને લઇને કામગીરીમાં વિક્ષેપ પડી શકે તેમ છે. ઉપરાંત કામગીરીનું ભારણ વધે તેમ છે, જેથી પોષણ સુધા યોજના અને સુપોષિત માતા સ્વાસ્થ્ય યોજનાનું ભારણ આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનો પર રાખવામાં ન આવે તેવી આવેદન પત્રમાં માંગ કરવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ