ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સ્થિત શ્રી રંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત સરસ્વતી શીશુ વિદ્યાલયમાં ગત તા. ૨૧ મીના રોજ ૫ કોમ્પુટર તથા ઇલેક્ટ્રોનિક સાધનોની ચોરી થઇ હોવાનું જણાયું હતું. સવારમાં સફાઈ કરનાર બહેન શાળાએ આવ્યા ત્યારે શાળામાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ બહેને આ બાબતે સંસ્થાના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર આવ્યા હતા. આ ચોરી બાબતે તેમણે ઉમલ્લા પોલીસને જાણ કરતા પીએસઆઇ ઠુમ્મર તેમજ પોલીસ ટીમે સ્થળ ઉપર આવીને તપાસ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આ ચોરી કરનાર ૧૩, ૧૪ વર્ષની ઉંમરના સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ બાબતે પોલીસનો ફરિયાદ કરવા આગ્રહ હોવા છતાં સંસ્થાના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય ના બને તે માટે ફરિયાદ આપવાની ના પાડી હતી, અને પોલીસની હાજરીમાં ચોરાયેલ વસ્તુઓ લઈને વ્યવહારુ ઠપકો તેમજ શિખામણ આપીને તેમને છોડી મૂક્યા હતા. સંસ્થાના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાએ ઉમલ્લા પોલીસનો આભાર માનીને પોલીસની કામગીરીને બિરદાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ