ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાના અણધરા ગામના એક આદિવાસી ખેડૂતના નામે બારોબાર રુ.છ લાખની લોન લેવાનું કથિત કૌભાંડ પકડાતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નાના અણધરા ગામના ખેડૂત સુકલભાઇ કાળિયાભાઇ વસાવાને ૨૦૧૪ ની સાલમાં ખેતીના કામ માટે રુ.ત્રણ લાખની લોનની જરુર હતી. દરમિયાન તેમને ખબર મળી હતી કે સરસાડના કિરીટસિંહ મોતીસિંહ મહિડા અને ગણેશભાઇ શંકરભાઈ વાળંદ બેન્કમાંથી ખેતી માટે લોન મંજુર કરાવી આપવાનું કામ કરે છે. આ માટે સુકલભાઇ તેમજ તેમનો પુત્ર મહેન્દ્રભાઇ રાજપારડી ખાતે કિરીટસિંહ મહિડાની ઉમિયા ઇલેક્ટ્રિકલ્સ સબ મશીનરી નામની ઓફિસે ગયા હતા, જ્યાં કિરીટસિંહ મહિડા અને ગણેશભાઇ વાળંદ બેઠેલા હતા. તેઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ કે તેમને રાજપારડી બેન્ક ઓફ બરોડાના મેનેજર ઠાકોરભાઇ લલ્લુભાઈ પરમાર સાથે સારા સંબંધો છે અને તેઓએ ઘણા લોકોને બેન્કમાંથી લોન અપાવી છે એમ જણાવ્યુ હતું. ત્યારબાદ છ મહિના પછી સુકલભાઇ અને તેમનો દિકરો લોન લેવા માટે આ લોકોને મળ્યા હતા. ત્યારપછી આ લોકોએ સુકલભાઇને જણાવ્યુ હતુ
કે તમારી રુ.૩ લાખની લોન મંજુર થઇ ગઇ છે, અને તમે જરુરી કાગળો અને બે સાક્ષીઓ સાથે આવતીકાલે રાજપારડી બેન્ક ઉપર આવજો. બીજા દિવસે સુકલભાઇ તેમના છોકરા સાથે બેન્કમાં ગયા હતા, જ્યાં કિરીટસિંહ મહિડા અને ગણેશભાઇ વાળંદ હાજર હતા. બેન્ક મેનેજરે આ લોકોને તેમની ઓફિસમાં બોલાવીને કાગળો પર સહીઓ કરાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ શાના પર સહીઓ કરાવી હતી તેની તેમને જાણ કરી નહતી. ત્યારબાદ તેમને લોનના રુ. ત્રણ લાખ રોકડા આપ્યા હતા. સુકલભાઇ અને તેમનો દિકરો ત્યાંથી ઘરે જવા નીકળી ગયા હતા, જ્યારે કિરીટસિંહ અને ગણેશભાઇ બેન્ક મેનેજર પાસે બેસી રહ્યા હતા. આ ત્રણ લાખ મળ્યાના છ મહિના બાદ બેન્કના કર્મચારીઓ સુકલભાઇના ઘરે ઉઘરાણી આવ્યા હતા અને રુ.૩ લાખના વ્યાજના રુ.૨૮૦૦૦ પેઠે સુકલભાઇએ ચેક લખી આપ્યો હતો. ત્યારબાદ ૨૦૧૫ ના વર્ષમાં ઉઘરાણી આવેલ બેન્ક કર્મચારીઓએ તેમને જણાવ્યુ હતુકે તમે રુ.નવ લાખની લોન લીધી છે તે તમામ પૈસા ભરવાના બાકી છે. ત્યારે સુકલભાઇએ તેમને કહ્યુ હતુકે મેં તો ફક્ત રુ.ત્રણ લાખની ખેતીના કામ માટે લોન લીધી છે. બેન્ક કર્મચારીઓ દ્વારા તેમને જણાવાયુ હતુ કે બોરવેલ ઇરીગેશન માટે રુ.છ લાખની લોન મંજુર થઇ હતી તેથી તમે કુલ રુ.નવ લાખની લોન લીધેલ છે. ત્યારબાદ રુ.ત્રણ લાખની લોન અપાવનાર કિરીટસિંહ મહિડા અને ગણેશભાઇ વાળંદને આ બાબતે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે તમે ચિંતા ના કરશો, અમોને રુ.છ લાખની જરુર હતી તેથી તમારા જમીનના દસ્તાવેજો ઉપર અમે રુ.છ લાખની ડ્રીપ ઇરીગેશનની લોન મેનેજરને મળીને વાતચીત કરીને લીધી હતી. જે લોનના પૈસા અમે થોડા સમયમાં ભરી દઇશું. ત્યારબાદ આ પૈસા બેન્કમાં નહી ભરાયા હોવાની જાણ થઇ હતી. આ બાબતે તત્કાલિન બેન્ક મેનેજરના મેળાપીપણામાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા આ કથિત બેન્ક લોન કૌભાંડ ને લઇને સુકલભાઇ કાળિયાભાઇ વસાવા રહે.ગામ નાના અણધરા, તા.ઝઘડીયાનાએ બેન્ક ઓફ બરોડા રાજપારડી શાખાના તત્કાલિન મેનેજર ઠાકોરભાઇ લલ્લુભાઈ પરમાર તેમજ કિરીટસિંહ મોતીસિંહ મહિડા અને ગણેશભાઇ શંકરભાઈ વાળંદ બન્ને રહે.ગામ સરસાડ, તા.ઝઘડીયા, જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રુ.છ લાખના આ કથિત બેન્ક લોન કૌભાંડ બાબતે તત્કાલિન બેન્ક મેનેજર સહિત કુલ ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ