ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોહનપરી શિયાલી ફળિયું ખાતે રહેતા સોમાભાઇ મથુરભાઇ વસાવા ગત તા.૧૭ મીના રોજ હોળીના દિવસે રાતના ઘરની બહાર બેઠા હતા, ત્યારે અગિયારેક વાગ્યાના અરસામાં ગામના શૈલેશભાઇ સુંદરભાઇ વસાવા ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તેણે સોમાભાઇને ધક્કો મારીને લાકડીના સપાટા માર્યા હતા. તેનું ઉપરાણુ લઇને ગામના દિપક વસાવા, દેવલાભાઇ વસાવા તેમજ રણજીત વસાવા નામના ઇસમો પણ ત્યાં આવ્યા હતા અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ હુમલા દરમિયાન સોમાભાઇ જખ્મી થતાં તેઓને ડાબી જાંઘ પર ચામડી છોલાઇ જતા લોહિ નીકળ્યુ હતું. ઇજાગ્રસ્તને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. ગત ગ્રામ પંચાયતની ચુંટણીમાં મત ન આપવા બાબતની અદાવતે આ ઝઘડો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયુ હતુ. ઘટના બાબતે સોમાભાઇ મથુરભાઇ વસાવા રહે.મોહનપરી શિયાલી ફળિયું તા.ઝઘડીયાનાએ તેમની સાથે મારામારી કરનાર ઉપરોક્ત ચાર ઇસમો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ગ્રામ પંચાયતોની ચુંટણીને મહિનાઓ વિતવા બાદ પણ ઝઘડીયા તાલુકામાં ચુંટણીની અદાવતે મારામારીની ઘટનાઓ હજુ મોટા પ્રમાણમાં બનતી હોવાનું જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ