ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે ત્રણ જેટલા ઈસમોએ ગામના મહિલા સરપંચ તથા તેમના પતિને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી ધમકી આપી હોવાની ફરિયાદ લખાવા પામી છે.
મળતી વિગતો મુજબ ગતરોજ ઝઘડીયા મામલતદાર ઇન્દોર ગ્રામ પંચાયતની મુલાકાતે ગયા હતા, ત્યારે પંચાયતના તલાટીએ સરપંચ અંજનાબેનને ફોન દ્વારા આ બાબતની જાણ કરતા સરપંચ અંજનાબેન તથા તેમના પતિ હસમુખભાઇ વસાવા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયા હતા. મામલતદારે ગ્રામ પંચાયતના પટાવાળાને ફૈઝ મહંમદ મશીદ ખોખર, ઇસાક હબિબ ખોખર, મુસ્તાક રફીક ખોખર તથા અલ્તાફ હઝરત ચૌહાણને બોલાવવા માટે મોકલ્યા હતા, જેથી ઉપરોક્ત ચાર ઈસમો ગ્રામ પંચાયત કચેરી ખાતે આવ્યા હતા. ત્યારે ફૈઝ મહંમદ નામના ઈસમે મહિલા સરપંચ તથા તેના પતિને ગાળો દઇને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા. તેમજ ગામના સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી કેવા પંચાયતમાં કામ કરો છો તેમ કહી સરપંચને તથા તેમની પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, યાસિન ખોખરે પણ ગાળો દઇને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલીને ધમકી આપી હતી. ઈશાક ખોખરે પણ સરપંચના પતિને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી કહ્યુ હતુ કે અમે ઇન્દોર ગામના દાદા છીએ અને દાદા રહેવાના છે. મહિલા સરપંચના પતિ હસમુખભાઈને કહ્યુ હતુ કે સીધો સીધો રહેજે નહીં તો તારી બધી હોશિયારી કાઢી નાખીશું, તેમ કહી ઝઘડો કર્યો હતો. ઘટના બાબતે ઇન્દોર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અંજનાબેન હસમુખભાઈ વસાવાએ ફૈઝ મહંમદ ખોખર અને યાસીન હબીબ ખોખર બંને રહે. ઇન્દોર તા. ઝઘડિયા તેમજ ઈશાક હબીબ ખોખર રહે. ઉમલ્લા તા. ઝઘડિયાના વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ