ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વિવિધ વિકાસના કામો બાબતે દુમાલા વાઘપુરાના રહીશ અજયભાઈ ચુનીલાલભાઈ વસાવા દ્વારા ગ્રામ પંચાયતમાં જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જે માહિતી દુમાલા વાઘપુરા ગ્રામપંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા સમય મર્યાદામાં નહીં અપાતા તેમણે બીજી અપીલ ગાંધીનગર માહિતી ખાતામાં કરી હતી.
જેના સંદર્ભમાં આગામી તા.૧૬.૩.૨૨ ના રોજ વીડિયો કોન્ફરન્સથી અપીલની સુનાવણી કલેકટર કચેરી ભરૂચ ખાતે રાખવામાં આવેલી છે. ગાંધીનગરની અપીલની સુનાવણી પહેલા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી દ્વારા અરજદાર અજય વસાવાને ખોટા પ્રલોભનો અને લાલચ આપી માહિતી ન આપવા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજરોજ અરજદાર અજય વસાવા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે અપીલની સુનાવણી દરમિયાન દુમાલા વાઘપુરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી તરફથી ખોટા પ્રલોભનો અને લાલચ આપી માહિતી નહી આપવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે, કાયદાકીય જોગવાઈ મુજબ માંગેલ માહિતી મળવાપાત્ર છે, છતા માહિતિ આપવામાં આવતી નથી. માહિતીને લઇને કંઇપણ થશે તો તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે એમ તેમણે રજુઆતમાં જણાવ્યું હતું.