ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કેટલાક એકમો દ્વારા ગંદા પાણીનો રાત્રીના સમયે સમારકામના નામે આમલાખાડીમાં કરાતા નિકાલના કથિત ષડ્યંત્ર બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરીને પર્યાવરણને થયેલ નુકશાનનું આંકલન અન તેનાથી થયેલ નુકશાનના વળતરની માંગ એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
ઝઘડિયા જીઆઇડીસી ના ઔદ્યોગિક ગંદા પાણીને દરિયા સુધી લઈ જતી પાઈપલાઈન અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામ પાસેથી પસાર થતી આમલાખાડીની સાથે જ પસાર થાય છે. આ લાઈનમાં અન્ય એક વાલ્વ લગાવવા આવ્યો છે અને તેના દ્વારા દરિયામાં જતા ઔદ્યોગિક ગંદા પાણીની લાઈનને આમલાખાડીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન ગત ૯ મીના રોજ આ બાબતની ફરિયાદ જીપીસીબી ને કરવામાં આવતા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ઉપરાંત NCT ને સ્થળ તપાસને લઇને નોટીસ આપવામાં આવી છે. તેમજ NCT તરફથી જવાબ અને ખુલાસો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવાયું છે. પ્રદુષણ ફેલાય તેવા આવા કૃત્યોથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. ખેડૂતો આ ખાડીના પાણીનો ઉપયોગ ખેતી માટે કરતા હોય છે. અચાનક રાત્રીના સમયે ખેડૂતોની જાણ બહાર આ પ્રદુષિત પાણી ખેડૂતોના ખેતરોમાં વહેતા ખેતીના પાક તેમજ જમીનને મોટું નુકશાન થવાની લાગણી ખેડુતો અનુભવી રહ્યા છે. વરસાદી ખાડીઓમાં પ્રદુષણ ના થાય એ બાબતે કોર્ટ દ્વારા કરાયેલા હુકમોનું ઉલ્લઘન થઈ રહ્યું છે. તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થામાં બેઠુ હોય એમ લાગી રહ્યું છે.
દરમિયાન પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલની ઘટનામાં મળેલ મૌખિક ફરિયાદના આધારે જીપીસીબી દ્વારા કાર્યવાહી થઈ રહી છે, પરંતુ આજે તેમણે એક લેખિત ફરિયાદ જીપીસીબી ની વડી કચેરીને તેમજ જિલ્લા કલેકટરને આપી છે. આ ફરિયાદમાં ગઈકાલની ખાડીમાં દુષિત પાણી છોડવાની ઘટનાની યોગ્ય ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીને પર્યાવરણને થયેલ નુકશાનનું આંકલન અને તેના કાયદામાં નક્કી થયેલ પદ્ધતિ મુજબનું વળતર આપવા સહિત આમાં સંડોવાયેલને દંડ કરવાની પણ માંગ કરવામાં આવી છે. વધુમાં જણાવાયા મુજબ કે શુદ્ધ કે અશુદ્ધ એફલુઅન્ટને આમલાખાડીમાં છોડી શકાય નહી, તે કાયદા અને વિવિધ કોર્ટો ના હુકમો વિરુધ્ધ ગણાય. અનિવાર્ય સંજોગોવસાત તે બાબતે પૂર્વ મંજુરી જીપીસીબી તરફથી મેળવવી પડે છે અને સમારકામ કરવાનું હોય તો રોજ રાત્રે જ કેમ કરવું પડે? તેમજ હાલ ૨૦૦ લીટરના ટેંક લગાવવાની વાત થાય છે તો અત્યાર સુધી જે લાખો લીટર ખાડીમાં છોડવામાં આવ્યું એની ભરપાઈ કોણ કરશે? આ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ