ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતિ ખાડી પર છલિયુ (પુલ) બનાવવામાં આવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. સારસા ગામે ગુલિયાપરા ફળિયા નજીકથી માધુમતિ ખાડી તરફ જવાનો માર્ગ પસાર થાય છે. આ માર્ગ ગુલિયાપરા ફળિયા નજીક મુખ્ય ધોરીમાર્ગ સાથે જોડાય છે. માધુમતિ ખાડીની સામા કાંઠાએથી નાનાસોરવા તરફનો માર્ગ જાય છે. ગુલિયાપરા ફળિયાથી નાનાસોરવા સુધીનો પાંચેક કિલોમીટરનો કાચો માર્ગ પાકો બનાવીને માધુમતિ ખાડી પર છલિયુ ( પુલ) બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છેકે સારસાના ઘણા ખેડૂતોના ખેતરો માધુમતિ ખાડીના સામાકાંઠે આવેલા છે. આ વગામાં ખેડૂતો શેરડી,કેળ, શાકભાજી જેવા વિવિધ પાકોની ખેતી કરે છે. શેરડી કેળા તેમજ શાકભાજી જેવા પાકોને લઇ જવા માટે ટ્રેક્ટર જેવા વાહનોનો ઉપયોગ કરાતો હોય છે. ચોમાસામાં જ્યારે ખાડીમાં પુષ્કળ પાણી વહેતુ હોય ત્યારે ગ્રામજનો તેમજ ખેડૂતોને ખાડી ઓળંગવામાં તકલીફ પડે છે. નાનાસોરવા ગામના ઘણાં પશુપાલકો દુધ ભરવા સારસા ગામની દુધ મંડળીએ આવતા હોય છે. ચોમાસામાં ખાડી જ્યારે બે કાંઠે વહેતી હોય છે ત્યારે ગ્રામજનોને પણ ખાડી ઓળંગવામાં હાલાકિ ભોગવવી પડે છે. થોડા વર્ષો અગાઉ ચોમાસા દરમિયાન ખાડીમાં એક ખેડૂતનું બળદગાડું પણ તણાયુ હતું. કોઇપણ સ્થળના વિકાસ માટે રસ્તાઓની સુવિધા પણ મહત્વપૂર્ણ મનાય છે. ત્યારે આ સ્થળે માધુમતિ ખાડી પર છલિયુ બનાવીને સારસાના ગુલિયાપરા ફળિયાથી નાનાસોરવા સુધીનો પાંચેક કિલોમીટરનો રસ્તો પાકો બનાવીને ગ્રામજનો અને ખેડૂતોને પડતી તકલીફ નિવારાય તે ઇચ્છનિય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ