ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલ યુનિફોર્મનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પડવાણીયાના સરપંચ સીમાબેન વસાવા દ્વારા પ્રાથમિક શાળાના ૭૩ વિધ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. અત્રે આયોજિત વિતરણ કાર્યક્રમમાં સરપંચ સીમાબેન વસાવા, પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતકુમાર ચૌધરી, સામાજિક અગ્રણી ઉમેશભાઇ વસાવા તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાતા શાળા પરિવારે તેમજ વાલીમંડળે ગ્રામ પંચાયતના સરપંચનો આભાર માન્યો હતો. આયોજિત કાર્યક્રમમાં અગ્રણીઓએ વિધ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ બાબતે યોગ્ય લગન કેળવીને મહેનત કરવા અનુરોધ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણથીજ ભણતરનો પાયો નંખાતો હોઇ, પાયાને મજબુત બનાવવો જરુરી હોવાની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ