ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ફરીથી વાહનચોરો સક્રિય થતાં વાહનમાલિકોમાં ચિંતા ફેલાવા પામી છે. તાલુકાના દધેડા અને ફુલવાડી ગામેથી બે મોટરસાયકલો ચોરાઇ હોવાની ફરિયાદ લખાવા પામી છે.
દધેડા ગામે રહેતા સુમેરસિંહ નારણસિંહ દેવડાએ ગત તા.૫ મીના રોજ રાતના અગિયાર વાગ્યાના સમયે તેમની મોટરસાયકલ ઘર નજીક પાર્ક કરીને મુકી હતી. બીજા દિવસે સવારના મોટરસાયકલ જ્યાં પાર્ક કરીને મુકી હતી ત્યાં દેખાઇ નહતી. મોટરસાયકલ શોધવા છતાં મળી નહતી. આ બાબતે તેમણે ઝઘડીયા પોલીસમાં મોટરસાયકલ ચોરાવા બાબતે ફરિયાદ લખાવી હતી. મોટરસાયકલ ચોરીની બીજી ઘટના તાલુકાના ફુલવાડી ગામે બની હતી. ફુલવાડીના વિનોદભાઇ હરીભાઈ પટેલનો છોકરો જુગલકુમાર ઝઘડીયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. તેણે ત્રણેક વર્ષ પહેલા પોતાના ઉપયોગ માટે મોટરસાયકલ લીધેલ હતી. દરમિયાન ગત તા. ૫ મીના રોજ આ મોટરસાયકલ પાર્ક કરીને ઘરના આંગણામાં મુકી હતી. વિનોદભાઇના દિકરા જુગલની સગાઇ હોવાથી ઘરના બધા તેમાં રોકાયેલા હતા. ત્યારબાદ બીજા દિવસે મોટરસાયકલ જ્યાં મુકી હતી તે જગ્યાએ દેખાઇ નહતી. આજુબાજુમાં શોધવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી. પરિવાર સગાઇના પ્રસંગમાં વ્યસ્ત રહ્યો અને તસ્કરો મોકો જોઇને મોટરસાયકલ ઉઠાવી ગયા! રુ.૯૦૦૦૦ ની કિંમતની આ મોટરસાયકલની ચોરી થઇ હોવાની ખાતરી થતાં વિનોદભાઇ પટેલ રહે.ફુલવાડી તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ ઝઘડીયા પોલીસમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ