ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ પર દિવસેદિવસે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. ભરૂચ શહેર નજીકના ઝાડેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની ગઇ છે, ત્યારે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ પણ દિવસેદિવસે ટ્રાફિક જામની સમસ્યાથી ઘેરાતો જાય છે.
રાજપારડી નજીકથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા આ માર્ગ પર આજે અંદાજે ૩ કી.મી.લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે ટ્રાફિક જામના પગલે સેંકડો વાહન ચાલકો અટવાયા હતા. ઉલ્લેખનીય છેકે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનુ સમારકામ કેટલાક સ્થળોએ ચાલે છે. રાજપારડી નજીક માધુમતિ ખાડીના પુલથી ચોકડી તરફના માર્ગની એક તરફના ટ્રેકનુ સમારકામ હાલ ચાલી રહ્યુ છે. જેના પગલે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. અત્રેના માર્ગ પરના બન્ને ટ્રેકના વાહનો એકજ ટ્રેક પર ડાયવર્ટ કરાતા આમને સામને આવી જતા કલાકો સુધી ટ્રાફિક ગુંચવાયો હતો, જેને લઇને વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા અફડાતફડીનો માહોલ ઉભો થયો હતો. દક્ષિણ ગુજરાતના સ્ટેચ્યુની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઉપરાંત છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફના વાહનો પણ સુરત મુંબઇ તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ૨૪ કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ માર્ગ પર છાસવારે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો તંગ આવી ગયા હોવાની વાતો સામે આવી છે, ત્યારે અવારનવાર સર્જાતા ટ્રાફિક જામને હલ કરવા કોઇ અસરકારક આયોજનો કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ