ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની તા. ૭ મી માર્ચના રોજ યોજાનાર ચુંટણી મોકુફ રાખવા ગ્રામ પંચાયતના ચુંટાયેલા ત્રણ સભ્યોએ માંગ કરી છે.
વિગતો મુજબ થોડા સમય અગાઉ ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ આ ગામોએ ઉપ સરપંચોની ચુંટણીઓ પણ યોજાઇ હતી. તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા દુ.વાઘપુરાના ઉપ સરપંચની ચુંટણી ટાણે એક ઉમેદવારની ઉમેદવારી કોઇ કારણોસર રદ થઇ હતી, તેને લઇને ચુંટણી સ્પર્ધાના બીજા ઉમેદવાર આશીફ શેખને બિનહરિફ ઉપસરપંચ જાહેર કરાયા હતા. ત્યારબાદ ઉપસરપંચની ચુંટણી બાબતે વાંધા અરજી આવી હતી. તેને લઇને ચુંટાયેલા તમામ સભ્યોને હાજર રાખી સુનાવણી રાખવામાં આવેલ હતી. દરમિયાન હાલમાં ગ્રામ પંચાયતના ચુંટાયેલા ત્રણ સભ્યો આશીફ શેખ, પિન્ટુબેન વસાવા તેમજ ફલ્ગુનીબેન પારેખે જિલ્લા વિકાસ અધિકારી ભરુચ તરફથી સદર વાંધા અરજી બાબતે કોઇ હુકમ કર્યો હોય તેની બજવણી આજદિન સુધી અમને મળેલ નથી, એવા આક્ષેપ સાથે હાલમાં તા.૭ મી માર્ચના રોજ યોજાનાર ઉપસરપંચની ચુંટણી મોકુફ રાખવા રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે.આયોજન અધિકારી સહ તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયાને લેખિતમાં રજુઆત કરીને તેની નકલ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલી હતી. આ રજુઆતમાં આ ત્રણ ચુંટાયેલા સભ્યોએ આક્ષેપ કર્યો હતોકે તા.૭ મી માર્ચના રોજ ઉપસરપંચની ચુંટણીની બેઠકનું આયોજન કરેલ છે તે ગેરકાયદેસર છે, અને તાલુકા પંચાયતમાં બેઠેલ સત્તાધીશ ઉપપ્રમુખની શહેમાં આવીને કરાયેલ હોવાનો પણ રજુઆતમાં આક્ષેપ કરાયો છે. ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે ઉપસરપંચની ચુંટણી અંગે વિવાદ સર્જાતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ