ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના ત્રણ રસ્તા નજીક એક શાળાની પાછળ પાર્ક કરીને મુકેલ મોટરસાયકલની ચોરી થવા પામી હતી. ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયાના ગાંધી ફળિયામાં રહેતા હિરેનભાઇ પ્રવિણભાઇ પ્રજાપતિ ઝઘડીયા જીઆઇડીસી ની એક કંપનીમાં કામ કરે છે. ગત તા.૨૩ મીના રોજ કંપનીમાં રાતપાલીમાં જવાનું હોઇ તેઓ તેમની મોટરસાયકલ લઇને નોકરીએ જવા નિકળ્યા હતા. ઝઘડીયા ત્રણ રસ્તા નજીક કુમાર શાળા પાછળના ભાગે આવેલ ખુલ્લા પતરાના શેડ નીચે રાતના સાડા દસ વાગ્યે મોટરસાયકલ પાર્ક કરીને મુકી હતી. ત્યારબાદ ત્યાંથી કંપનીની બસમાં બેસીને કંપનીમાં કામ પર ગયા હતા. તેઓ રોજ કંપનીની બસમાં ઝઘડીયાથી જીઆઇડીસી માં આવજાવ કરતા હતા. દરમિયાન ગત તા.૨ જીના રોજ તેઓ ઝઘડીયા ત્રણ રસ્તા પર આવ્યા અને જ્યાં મોટરસાયકલ પાર્ક કરીને મુકી હતી ત્યાં જઇને જોયુતો ત્યાં મોટરસાયકલ હતી નહી. મોટરસાયકલ શોધવા છતાં મળી નહતી, તેથી મોટરસાયકલની ચોરી થઇ હોવાની ખાતરી થઇ હતી. આ અંગે હિરેનભાઇ પ્રજાપતિ રહે.ઝઘડીયા જિ.ભરૂચનાએ ઝઘડીયા પોલીસમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝઘડીયા તાલુકામાં ફરીથી વાહનચોર સક્રિય થતાં વાહન મલિકોમાં ચિંતા ફેલાવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ