ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી લઈ નાના વાસણા સુધીના નર્મદા કિનારાના પટમાંથી ખૂબ મોટા પાયે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પણ રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા ખેતરોના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની મંજૂરી મેળવ્યા વગર, ખેતીની જમીનને તથા પાકને નુકસાન થાય તે રીતે ઉભા ખેતરોમાં રસ્તાઓ બનાવી માફિયાગીરી કરી રહ્યા છે. આ બાબતે ગામના કેટલાક ખેડૂતો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી મહેસુલ મંત્રી, પંચાયત મંત્રીને તેમના આઠ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી રજૂઆત રૂબરૂ મળી કરી છે.
લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર રેતી ખનન રોયલ્ટી વગર રાત દિવસ ૨૪ કલાક રીતે ખનન બંધ કરાવવા તથા લીઝના બ્લોક આવેલ નથી તેવી જગ્યાએ પણ રેતી ખનન થાય છે તે બંધ કરાવવા રજુઆત કરી છે. આઠ મુદ્દાઓની રજૂઆત કરી તેમણે મુખ્યમંત્રીને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રેતી ખનન રાત દિવસ ચાલુ છે ગ્રામજનોના તથા તેમના કુટુંબ માટે જોખમકારક હોય તેની તપાસ કરી પગલાં ભરવા વિનંતી કરી હતી. રેતી ભરેલા વાહનો ૨૪ કલાક અવર-જવર કરતા હોય ખેડૂતોને ખેતરમાં જવા આવવા મુશ્કેલ હોય તેથી માથાફરેલ વાહન ચાલકોને ગ્રામજનો કહે છે તમે વ્યવસ્થિત ગાડી ચલાવો તો ટ્રક ચાલકો કહે છે કે તમારી પર ગાડી ચઢાવી દઇશું એમ ધમકી આપે છે.
હારૂન પટેલ