મહાવદ ૧૪ એટલે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે શિવ ભક્તોમાં અનેરો આનંદ હોય છે. મહાશિવરાત્રી નિમિત્તે દરેક શિવાલયોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા છ વર્ષથી મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, અને છેલ્લા બે વર્ષથી મંદિર ખાતે અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન બર્ફાની બાબાનું બરફનું શિવલિંગ બનાવી શિવભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવે છે.
ચાલુ સાલે પણ રાણીપુરાના ગ્રામજનો દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાણીપુરા ખાતે બરફનું શિવલીંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના દિને વહેલી સવારે ગામમાં પ્રભાતફેરી ત્યારબાદ આરતી અને સવારે ૬ થી રાત્રે ૧૨ સુધી બર્ફાની બાબાના બરફનું શિવલીંગ શિવભક્તો માટે દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મહા શિવરાત્રિ નિમિત્તે મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમરનાથ બાબાની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે ઝઘડિયા તાલુકાના તમામ શિવાલયોમાં ખૂબ ઉત્સાહ સભર વાતાવરણમાં મહાશિવરાત્રીની ઉજવણી થઈ હતી. ઠેરઠેર ભંડારો તેમજ મહા આરતીના કાર્યક્રમો યોજાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ