ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે બેન્ક ઓફ બરોડા પાસેની કોતરડીના નાળા નીચેથી એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ રાજપારડીના કનુભાઇ મગનભાઇ માછી નામના ૫૮ વર્ષીય વૃધ્ધ ઇસમ રાતના કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા. બાદમાં તેમના પરિવારજનોને કનુભાઇ ગુમ થયાની જાણ થતાં તેઓએ આખી રાત તેમની શોધ કરી હતી પણ કોઇ ભાળ મળી નહતી. દરમિયાન ગતરોજ ખબર મળી હતી કે રાજપારડીની બેન્ક ઓફ બરોડા નજીકમાં આવેલ કોતરડીના નાળા નીચે કોઇ ઇસમનો મૃતદેહ પડ્યો છે.
ઘટના સ્થળે જઇને જોતા આ મૃતદેહ ગુમ થયેલ કનુભાઇનો હોવાનું જણાયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાબતે મૃતકના ભત્રીજા નિકુલભાઇ ચિમનભાઇ માછી રહે.રાજપારડી તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં જાણ કરી હતી. આ ઇસમનું મોત કયા સંજોગોમાં થયુ છે તે બાબતે હાલતો રહસ્ય સર્જાયુ છે. નાળા ઉપરથી નીચે કોતરડીમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત થયુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન કરાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ