ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામના બસ સ્ટેન્ડ નજીક આજરોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં ધોરીમાર્ગ પર વાહનો અટવાતા ત્રણ કિલોમીટર જેવી લાંબી લાઇન જોવા મળી હતી. આ સ્થળેથી પસાર થતો ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર છે. માર્ગની ચાર માર્ગીય કામગીરી અટવાયેલી પડી છે. અમુક અમુક સ્થળોએ કામ ચાલુ છે પણ ગોકળગાયની ગતિએ ચાલે છે. રતનપુર નજીક બન્ને તરફના વાહનો માટે ખાડી પર એકજ તરફનો પુલ ચાલુ છે, જ્યારે રતનપુર બસ સ્ટેન્ડની બીજી તરફ પણ રોડની એક બાજુએ કોઇ કામ ચાલતુ હોઇ એકજ તરફ બન્ને બાજુના વાહનો ડાયવર્ટ કરાયા છે. આજે કોઇ કારણોસર વાહનો અટવાતા ચક્કાજામ સર્જાયો હતો. અધુરામાં પુરુ અમુક ઉતાવળીયા વાહનચાલકો રસ્તો શોધવાની ઉતાવળમાં વચ્ચોવચ નીકળવાની કોશિશ કરતા આ સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યુ હતું. આ જામમાં એક એમ્બ્યુલન્સને પણ બહાર નીકળવામાં તકલીફ પડી હોવાની વિગતો પણ સામે આવી હતી. આમ ધોરીમાર્ગ પર વાહનો અટવાવાની વણથંભી પરંપરા આજે ફરીથી જોવા મળી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ