ચુંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચુંટણી સહિતની વિવિધ ચુંટણીઓમાં મહિલા અનામતને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. હાલમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં પણ સરપંચ તેમજ વોર્ડ સભ્યોમાં ઘણી મહિલાઓ વિજયી બની છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ ઘણી ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્ય તરીકે ઘણી મહિલાઓ ચુંટાઇ આવી છે. મહિલાઓ પણ પુરુષ સમોવડી બને અને પંચાયતનો વહિવટ કરે તે બાબતે મહિલાઓને પ્રાધાન્ય આપવાનો શુભ આશય હોય છે, પરંતું તાલુકામાં ચુંટાયેલી ઘણી મહિલાઓને બદલે તેમના પુરુષ પતિઓ વહિવટ કરતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. મહિલાઓ પોતે પણ પુરુષોથી કમ નથી અને તેઓ પણ વહિવટ કરવા સક્ષમ છે, તેવા શુભ આશયથી મહિલાઓને વહિવટી બાબતે સન્માનિય સ્થાન મળે તે હેતુસર મહિલાઓ માટે ચુંટણીમાં અનામત બેઠકો ફાળવવામાં આવે છે. પરંતુ મહિલાઓ ચુંટાયા બાદ તેમના પતિઓ વહિવટ કરતા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારે દરેક ગ્રામ પંચાયતોમાં સીસી ટીવી કેમેરા મુકવામાં આવેતો સાચી હકિકતો બહાર આવી શકે. દરેક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી ફરજ બજાવતા હોય છે. પંચાયતોમાં કોણ વહિવટ કરે છે તે જોવાની તલાટીઓની ફરજ નથી બનતી? ત્યારે દરેક ગ્રામ પંચાયતોમાં સીસી ટીવી કેમેરા મુકવામાં આવે તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ