ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે સંત રવિદાસ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પી.એસ.આઇ ધુળાભાઈ પરમારના હસ્તે અત્રે પધારેલ ઝઘડિયા તાલુકાના ભાઈઓને સંત રવિદાસના જીવન ચરિત્રના પુસ્તક, ફોટો તેમજ કેલેન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આયોજિત કાર્યક્રમમા વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિત, મહેશભાઈ વસાવા, રણછોડભાઈ રોહિત, નેહલભાઈ રોહિત ઉપરાંત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને સંત રવિદાસના જીવન વિષે જાણકારી આપવામાં આવી હતી. તેઓ ગંગામૈયાના ભક્ત હતા. સંત રવિદાસજી બાબતે કહેવાય છેે કે રસ્તામાં એક સંઘ જતો હતો, ત્યારે સંત રવિદાસે ગંગા મૈયા માટે ચૂંદડી અને નાળિયેર આપીને કહ્યુ હતું કે રૂબરૂ ગંગા મૈયા લેશે, તમે આ આપજો. સંઘના લોકોએ મશ્કરી જાણીને લઈ લીધું હતું, પરંતુ ગંગામૈયાએ રૂબરૂ કંગન આપીને ચૂંદડી અને નાળિયેર સ્વીકાર્યા હતા. આમ ભારતના મહાન સંતોમાં રવિદાસજીની ગણના થાય છે. રતિલાલ રોહિતે પ્રસંગોચિત વકતવ્ય કરીને સહુને આવકાર્યા હતા. અત્રે પધારેલ યુવાનોએ સંત રવિદાસજીના ફોટાને પુષ્પ હાર પહેરાવ્યા હતા. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ