ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરકારી ફિચવાડા ગામે ફરિયાદ પાછી ખેંચવાનું કહીને જાતિ વિષયક અપશબ્દો બોલીને માર મારતા પાંચ ઇસમો સામે સરપંચના પતિએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ સરકારી ફિચવાડા ગામે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સુમિત્રાબેન કાલિદાસ વસાવા વિજયી થયા હતા. ગત તા.૭ મીના રોજ તેમના પતિ કાલિદાસ શાંતિલાલ વસાવા સાંજના સમયે ગામના ચોરા પાસે બેઠા હતા ત્યારે એક લગ્ન પ્રસંગમાંથી નરવીરસિંહ ભાવસિંહ છાસટીયા, વનરાજસિંહ પ્રવિણસિંહ છાસટીયા, ઇન્દ્રસિંહ નરવીરસિંહ છાસટીયા તેમજ ગોપાલભાઇ શનાભાઇ વસાવા ચારેય રહે.સરકારી ફિચવાડા તા.ઝઘડીયા અને મહેન્દ્રભાઇ મનુભાઈ વસાવા રહે.ગામ ઢુંઢા તા.ઝઘડીયાના ત્યાં આવ્યા હતા. કાલિદાસને બેઠેલો જોઇને આ લોકો ઉભા રહ્યા હતા અને નરવીરસિંહ પાસે આવીને કહેવા લાગેલ કે તુ કનુભાઇ ધનજીભાઇ વસાવાને કહેજે કે એની છોકરીએ આપેલ ફરિયાદ પાછી ખેંચી લે. આ સાંભળીને કાલિદાસે કહ્યુ હતુકે મને શુ કામ કહો છો? આ સાંભળીને વનરાજસિંહ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને જાતિ વિષયક અપશબ્દો બોલીને કહેવા લાગેલકે તમને બહુ મસ્તી ચઢી ગઇ છે. આ લોકોએ એક સંપ થઇને ગાળો દીધી હતી તેમજ માર માર્યો હતો. અન્ય ઇસમોએ વચ્ચે પડીને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ લોકોએ જતાજતા ધમકી આપીને કહ્યુ હતુ કે આજેતો બચી ગયો છે, સીધેસીધી ફરિયાદ પાછી ખેંચી લે નહીતો જોઇએ છીએ કે ગામમાં કેવા રહો છો? આ બનાવ બાબતે કાલિદાસ શાંતિલાલ વસાવા રહે.સરકારી ફિચવાડા ગામ ચાંદીયાપુરા ફળિયું તા.ઝઘડીયાનાએ નરવીરસિંહ ભાવસિંહ છાસટીયા, વનરાજસિંહ પ્રવિણસિંહ છાસટીયા, ઇન્દ્રસિંહ નરવીરસિંહ છાસટીયા તેમજ ગોપાલભાઇ શનાભાઇ વસાવા ચારેય રહે.ગામ ફિચવાડા તા.ઝઘડીયા અને મહેન્દ્રભાઇ મનુભાઈ વસાવા રહે.ગામ ઢુંઢા તા.ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ