ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પસાર થાય છે. આ માર્ગ નર્મદા જીલ્લાના તવડીથી ભરૂચ જીલ્લાના મુલદ સુધી ભારે બિસ્માર બનતા વાહન ચાલકો ઉમલ્લા તરફથી ઝઘડીયા તરફ જવા રોંગ સાઇડે વાહનો હંકારતા હોય વારંવાર નાના મોટા અકસ્માતોના બનાવો બનવા પામતા કેટલાક અકસ્માતોમાં સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોચવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.રોંગ સાઇડે દોડતા વાહનોથી વારંવાર અકસ્માતોના બનાવો વધતા રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જે.બી.જાદવના ધ્યાને પડતા પી.એસ.આઇ.એ ટ્રાફિક પોલીસના જવાનો, ટ્રાફિક બ્રિગેડના જવાનો,તેમજ પોલીસના જવાનોને માધવપુરા ફાટક પાસે ઉભા રહેવાની સુચનાઓ આપી હતી અને રોંગ સાઇડ દોડતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની માહિતી આપી જાગૃત કરવા જણાવ્યું હતુ. પી.એસ.આઇ.ની.સુચના બાદ પોલીસે માધવપુરા ફાટકથી ઝઘડીયા તરફ જવા રોંગ સાઇડ જતા વાહન ચાલકોને પોતાની ટ્રેક પર એટલે પોતાની સાઇડે ચાલવા માર્ગદર્શન આપ્યુ હતુ અને વાહન ચાલકોને અકસ્માતોથી બચવા વિસ્તારથી સમજણ આપી હતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા હતા. ઝઘડીયા તાલુકાના રાજપારડી અને સારસા ગામની આસપાસ વધારે પડતા અકસ્માતો રોંગ સાઇડે દોડતા વાહનોથી થતા હોય રાજપારડી પોલીસે કરેલ કામગીરીને વાહન ચાલકો સહિત ગ્રામજનોએ બિરદાવી હતી. જોકે રાજપારડી પોલીસે કરેલ કામગીરી જોઇને હવે બીજા કેટલાક પોલીસ મથકો પણ આવી કામગીરી કરશે તેવુ લાગે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ