ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટનાઓ બનતી હોય છે. તાલુકાના વણાકપોરથી જરસાડ ગામ વચ્ચેના માર્ગ પર રાત્રીના સમયે દિપડો જાહેરમાં ફરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોસિયલ મિડીયા પર મુક્તપણે લટાર મારતા દિપડાનો વિડીઓ વાયરલ થયો હતો. આને લઇને આ વિસ્તારના ગામોએ ભયનો માહોલ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારની સીમમાં તેમજ ઘણીવાર માનવવસ્તી નજીક જાહેરમાં દિપડા દેખાતા હોવાની ઘટનાઓ બનવા પામે છે. ઉપરાંત ડુંગર વિસ્તારમાં પણ અવારનવાર દીપડાઓ જાહેરમાં ફરતા નજરે પડતા હોય છે. ભુતકાળમાં દિપડાઓ દ્વારા ઘણા પાલતુ પશુઓનું મારણ કરાયુ હોવાના બનાવો પણ બન્યા હતા. આને લઇને ખેડૂતો અને ખેત મજુરોમાં ચિંતા ફેલાવા પામી છે. ઝઘડીયા તાલુકામાં શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાનો મનાય છે. શેરડી કાપણી દરમિયાન દિપડાઓ શેરડીના ખેતરોમાંથી બહાર નીકળે છે અને ખોરાકની શોધમાં સીમ ઉપરાંત માનવ વસ્તીમાં પણ આવી ચઢે છે. એક અંદાજ મુજબ તાલુકામાં પરિવાર સાથે રહેતા દિપડાઓની કુલ સંખ્યા ૧૮ થી ૨૦ જેટલી હોવાનું મનાય છે. જોકે હાલમાં જાહેર માર્ગ પર દિપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ થતાં આ પંથકની જનતામાં ભયનો માહોલ છવાયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ