ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજરોજ સેવાસદન નજીક ધોરીમાર્ગ પર એક પત્થર વાહક ટ્રકમાંથી પથરા રોડ પર વેરાતા હાલાકિ સર્જાઇ હતી. વિગતો મુજબ આજે બપોરના સમય દરમિયાન રાજપારડી તરફથી પત્થરો ભરીને જઇ રહેલ એક ટ્રકમાંથી પત્થરો વેરાઇને રોડ પર પડ્યા હતા. સદભાગ્યે પાછળ આવતા અન્ય કોઇ વાહન ચાલકને કે વાહનને કોઇ નુકશાન થયુ નહતું. ઉલ્લેખનીય છે કે પત્થરોનું વહન કરતા વાહનોએ પાછળ આવતા રાહદારીઓ કે વાહનોને પત્થરો પડવાથી કોઇ તકલીફ ના પહોંચે એ રીતે પત્થરોનું વહન કરવાનું હોય છે. જ્યારે આ ઘટનામાં પથરા ચાલુ વાહનમાંથી રોડ પર પડતા વાહનચાલકની બેદરકારી સામે આવી હતી. ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ મહત્વના ધોરીમાર્ગ પર પત્થરો વેરણછેરણ થતાં પસાર થતા અન્ય વાહનો માટે સમસ્યા સર્જાઇ હતી. રોડ ઉપર પડેલ પથ્થરોના કારણે નાના વાહનો સ્લિપ મારી જવાની સંભાવના પણ રહેલી છે. ત્યારે તંત્ર તાકીદે લાલ આંખ કરીને આવી બેદરકારી દાખવતા વાહન ચાલકોને નિયમો શીખવાડવા આગળ આવે તે જરુરી છે. રોડ પર વેરાયેલા પત્થર દોડતા વાહનોના કારણે ઉડીને રાહદારીઓને તેમજ અન્ય વાહનોને વાગવાની પણ સંભાવના રહેલી છે. ચાલુ વાહનમાંથી પત્થરો રોડ પર વેરાતા આ વાહન ઓવરલોડ જથ્થો ભરીને જતું હોવાની શંકા પણ ઉદભવે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ