ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર ( ગોરીશા) ની દરગાહનો આગામી ઉર્સ કોરોના સંક્રમણને અનુલક્ષીને બંધ રાખવામાં આવ્યો છે.
દરગાહના ટ્રસ્ટીઓ જાનુમિયા સીદી અને ઝાકિરભાઇ મલેકના જણાવ્યા મુજબ હાલમાં તા.૧૨ અને ૧૩ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ (મેળો) કોવિડ ગાઇડલાઇન મુજબ કોરોના સંક્રમણને વધતું અટકાવવા બંધ રાખવામાં આવ્યો છે. દરગાહ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારી ઝઘડીયા, મામલતદાર ઝઘડીયા તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનને લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા જોગ બહાર પડાયેલ એક નિવેદનમાં જણાવાયું છે કે ઉર્સ ( મેળો) બંધ રાખવામાં આવેલ હોઇ કોઇપણ ધંધાવાળાએ પોતાની દુકાનો લઇને દરગાહ સંકુલમાં આવવું નહિ, તેમજ દરગાહના સ્થળે સંક્રમણ ફેલાય એવી કોઇ ભીડ કરવી નહિ. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ ઉર્સ મોકુફીના નિર્ણયને પુરો સહકાર આપવા તેમજ કોવિડ ગાઇડ લાઇન્સનું સંપૂર્ણ પાલન કરવા જાહેર જનતાને આ જાહેર નિવેદનથી અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ