ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજે પટેલ ફળિયામાં રહેતા એક ૬૧ વર્ષીય વૃધ્ધ રહીશ પર એક વાનરે હુમલો કરીને તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. રમેશભાઈ છોટાભાઇ પટેલ ઉર્ફે રાવજીભાઇ રેવાદાસ પટેલ નામના આ નાગરિક આજરોજ સવારના સમયે તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે ત્યાં કેટલાક વાનરો આવી ચડ્યા હતા. રાવજીભાઇએ તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરતા એક કપિરાજ ઉશ્કેરાયો હતો અને તેણે રીતસર રાવજીભાઇ પર હુમલો કર્યો હતો. વાનરે હુમલો કરતા તેઓને પગ પર ઇજાઓ થવા પામી હતી. જોકે સદનશીબે આ જોઇને ફળિયાના કેટલાક યુવાનો ત્યાં દોડી આવતા વાનરો ભાગી ગયા હતા, અને રાવજીભાઇ વધુ ઇજાથી બચી ગયા હતા. જોકે આ ઘટના બાદ તેમને સારવાર માટે લઇ જવાયા હતા, અને ઇજાગ્રસ્ત ભાગે ટાંકા લેવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છેકે સારસા ગામે વાનરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. વાનરો દ્વારા ઘણા મકાનોની છત પર થતી કુદાકુદથી મકાનોના નળીયા પણ તુટી રહ્યા છે. આગળ પણ ઘણાબધા ગ્રામજનો વાનરોના હુમલાનો ભોગ બન્યા હતા, અને ઘણા ગ્રામજનો ગંભીર રીતે જખ્મી થતા તેઓને સારવાર માટે આગળ લઇ જવા પડ્યા હતા. સદભાગ્યે આ હુમલાઓ હજી જીવલેણ નથી બન્યા, પરંતું વાનરો દ્વારા ગ્રામજનો પર થઇ રહેલા હુમલા ક્યારેક જીવલેણ બનવાની સંભાવના પ્રત્યે આંખ આડા કાન થઇ શકે તેમ નથી. વાનરો દ્વારા થતા હુમલાઓની પરંપરા ચાલુ રહેતા હાલતો ગ્રામજનોમાં ભયનો માહોલ જણાય છે. વનવિભાગ તાકીદે એક કરતા વધુ સ્થળોએ અને યોગ્ય સમયાંતરે વારંવાર પીંજરા મુકીને વાનરોને ઝડપી લેવા યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરુરી બન્યું છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ