ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર મુલદ ટોલનાકા નજીક ખીચોખીચ ૩૬ જેટલા પશુઓ ભરેલ એક કન્ટેનર ઝડપાયું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને ગતરોજ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન માહિતિ મળી હતી કે હાઇવે ટોલનાકાથી આગળ અંકલેશ્વર તરફના રોડ પર એક કન્ટેનર પશુઓ ભરેલ હાલતમાં ઉભુ છે. ઝઘડીયા પોલીસે મળેલ માહિતિ મુજબના સ્થળે જઇને જોતા ટોલનાકાથી મુલદ ચોકડી તરફના રોડની બાજુમાં એક કન્ટેનર ઉભુ હતું. પોલીસે તપાસ કરતા અંદર ખીચોખીચ પશુઓ ભરેલ જણાયા હતા. તપાસ સમયે કન્ટેનરમાં કોઇ વ્યક્તિ કે તેનો ચાલક મળ્યા નહતા. દરમિયાન કન્ટેનર ખોલીને જોતા અંદર પશુઓ ગળામાં તેમજ પગમાં દોરડાથી બાંધીને ખીચોખીચ ભરેલા હતા. કેટલાક પશુઓ એકબીજા પર પડી ગયેલા હતા. તપાસ દરમિયાન પશુઓ માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થાનો અભાવ જણાયો હતો. તેમજ પશુઓ બાબતના કોઇ આધાર કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો મળ્યા નહતા. ઉપરાંત કન્ટેનરમાં આરટીઓ પાર્સીંગની અલગઅલગ નંબર પ્લેટ પણ મળી આવી હતી. ઝઘડીયા પોલીસે ૩૨ સાંઢ, ૧ બળદ તેમજ ૩ વાછરડા મળી કુલ ૩૬ પશુઓ જેની કિંમત રૂ. ૬૯૦૦૦૦ તથા કન્ટેનરની કિંમત રૂ.૧૫ લાખ મળી કુલ રૂ.૨૧૯૦૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને કન્ટેનર મુકીને નાસી છુટેલ કન્ટેનર ચાલક સહિત કુલ ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ