ભરૂચ જિલ્લાના ઝઘડીયાના સુલતાનપુરા ખાતે રહેતી એક યુવતી અન્ય યુવક સાથે મૈત્રી કરારથી રહેવા જતા તેના પિયર પક્ષના સંબંધીઓ દ્વારા હુમલો કરી મારી નાંખવાની કોશિશ કરતા કુલ ૧૨ જેટલા ઇસમો સામે આ યુવતીએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડીયાના સુલતાનપુરા રાઠોડ ફળિયામાં રહેતા જગદીશભાઇ જીવરાજભાઇ પ્રજાપતિની દિકરી પુજાબેને ગત તા.૨૪ મીના રોજ ઘરેથી નીકળી જઇને આણંદ જિલ્લાના બીલપાડ ગામે રહેતા દિપકભાઇ ધર્મેશભાઇ ગોહિલ સાથે ભાગી જઇને મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ પુજાના પિતાએ ઝઘડીયા પોલીસમાં આ બાબતે જાણવા જોગ ફરિયાદ આપી હતી. દરમિયાન પિતાએ આપેલ ફરિયાદને અનુલક્ષીને પુજા તેના પતિ માનેલા દિપકભાઇ ગોહિલ સાથે ઝઘડીયા પોલીસ મથકે સ્ટેટમેન્ટ આપવા માટે તેના વકિલને લઇને ગતરોજ તા.૩૦ મીના રોજ આવી હતી. દરમિયાન પુજાબેન તેના સંબંધીઓને મળવા ઝઘડીયા પોલીસ મથકે આવેલ. પુજાબેનના પિતાએ તેણીને મોબાઇલથી તેના પિતરાઇ ભાઇ ધર્મેશભાઇ ફુલસિંગભાઇ પ્રજાપતિ સાથે વાત કરાવી હતી. તે વખતે ધર્મેશભાઇએ તેને ધમકી આપી હતી. પોલીસ મથકે સ્ટેટમેન્ટ આપ્યા બાદ પુજાબેન તેમના મૈત્રી કરારના મિત્ર તેમજ સાથેની વ્યક્તિઓ સાથે ગાડીમાં બેસીને પરત જવા રવાના થયા હતા. ઝઘડીયાની વાલિયા ચોકડીથી આગળ જતા ત્રણ જેટલી ફોર વ્હિલ ગાડીઓએ પુજાની ગાડીનો પીછો કર્યો હતો, અને પુજાબેનની ગાડીને ટક્કર મારી હતી. આ દરમિયાન ટક્કર મારનાર ગાડી ડિવાઇડરમાં અથડાઇને પલટી મારી ગઇ હતી. આ ગાડીમાં પુજાબેનનો પિતરાઇ ભાઇ ધર્મેશભાઇ તેમજ બીજા ત્રણ માણસો હતા. જ્યારે બીજી બે ફોર વ્હિલ ગાડીઓમાં પુજાના ફોઇનો દિકરો તેમજ બીજા કેટલાક માણસો બેઠેલા હતા. આ લોકો પુજાની ગાડી ઉભી રખાવવા બુમો પાડીને ગાળો બોલતા હતા અને ધમકી આપતા હતા. આ લોકોના હાથમાં ધારીયા તેમજ તલવાર જેવા સાધનો હોવાનું જણાતા પુજાબેન તેમની ગાડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આ ઘટના સંદર્ભે પુજાબેન પ્રજાપતિ રહે.સુલતાનપુરા ઝઘડીયા અને હાલ રહે.બીલપાડ, જિ.આણંદનાએ ધર્મેશભાઇ ફુલસિંગભાઇ પ્રજાપતિ રહે.ઓલપાડ, જિ.સુરત, દિપકભાઇ શૈલેશભાઇ પ્રજાપતિ રહે.ફાંટા તળાવ ભરૂચ તેમજ અન્ય ૧૦ જેટલા વણ ઓળખાયેલ ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ