ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે નાબાર્ડ અને વિજયભારતી સંસ્થા સારસાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં નાબાર્ડના અધિકારી અનંત વર્ધમ, સ્ટેટ બેન્ક અધિકારી સતિષ ચૌધરી, ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્ક અધિકારી રાજેશ પટેલ, સારસા ગામ અગ્રણી ચંદુભાઇ વસાવા, ભાજપા અગ્રણી વિક્રમસિંહ રાજ, બલેશ્વરના સરપંચ રમેશભાઈ વસાવા, સામાજિક કાર્યકર મહેશ વસાવા, વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિત તેમજ અગ્રણીઓ અને આજુબાજુના ગામોએથી આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆતમાં રતિલાલ રોહિતે કાર્યક્રમને લગતી જાણકારી આપી હતી. મહેશભાઇ વસાવાએ આઝાદી બાદ દેશના ગામડાઓએ મેળવેલ વિકાસનો પરિચય આપ્યો હતો. નાબાર્ડ અધિકારી અનંત વર્ધમે નાબાર્ડની વિવિધ રોજગારલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. ઉપરાંત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ રાજ્યોમાં સખીમંડળો તેમજ રોજગારલક્ષી પ્રોજેક્ટ્સની વિડીઓ દ્વારા માહિતી આપી હતી. ગ્રામ્ય સ્તરે બહેનો ભેગી થઇને સખી મંડળો બનાવે તો તેના દ્વારા આર્થિક આવક મેળવી શકે. ઉપરાંત ગ્રામ્ય સ્તરે ખેડૂતો સંગઠિત થઇને સહકારી ધોરણે ખેતી વિષયક કામગીરી કરે તો સારો લાભ મળી શકે. ઉપરાંત ગ્રામ્ય સ્તરે જેતે સ્થળે ઉપલબ્ધ કૃષિ ઉપજ કે અન્ય ઉત્પાદન આધારિત નાના ઉધોગો સ્થાપીને પણ આર્થિક ઉપાર્જન શક્ય બની શકે છે, તેમ જણાવ્યું. આ પ્રસંગે નાબાર્ડની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. અંતે મહેશ વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ