ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખાલક ગામે એક ઇસમને માર મારવા બાબતે એક મહિલા સહિત ચાર ઇસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખાલક ગામે રહેતો ગીરીશભાઇ બચુભાઈ વસાવા નામનો ઇસમ ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર તેના ખેતરે જઇને ઘરે પાછો આવી રહ્યો હતો, તે દરમિયાન ગામમાં આવતા ગામમાં રહેતા સંદિપ ધારાસિંગભાઇ વસાવા તથા રસીક ધારાસિંગભાઇ વસાવા તેની પાસે આવ્યા હતા અને કહેતા હતા કે અમારા શેઢા ઉપરના લીમડાના ઝાડના ડાળખા કેમ કાપ્યા છે? આ લીમડો અમારી હદમાં છે. તેમ કહીને સંદિપે વાડમાંથી લાકડી ખેંચીને માથામાં સપાટો માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ગીરીશ નીચે પડી ગયો હતો. ત્યારબાદ રસીકભાઇએ પણ તેને ઢિકાપાટુનો માર મારીને લાકડીનો સપાટો હાથ પર માર્યો હતો. આ લોકોનું ઉપરાણુ લઇને રાજીનભાઇ ધારાસિંગભાઇ વસાવા પણ દોડી આવ્યો હતો અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. આ ઝઘડા દરમિયાન બુમાબુમ થતા લાલીબેન રસીકભાઇ વસાવા નામની મહિલા પણ ઘરમાંથી દોડી આવી હતી અને ગાળો બોલવા લાગી હતી. અન્ય કેટલાક ઇસમોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ તકરારમાં ગીરીશને કપાળમાં લાકડીનો સપાટો વાગ્યો હોવાથી ચામડી ફાટી જઇને લોહી નીકળતું હતુ. ઇજાગ્રસ્ત ગીરીશને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે ગીરીશ વસાવાએ સંદિપભાઇ ધારાસિંગભાઇ વસાવા, રસીકભાઇ ધારાસિંગભાઇ વસાવા, રાજીનભાઇ ધારાસિંગભાઇ વસાવા તેમજ લાલીબેન રસીકભાઇ વસાવા તમામ રહે.ગામ ખાલક, તા.ઝઘડીયા, જિ.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ