ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપનીમાં મજુરી કામ કરતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા એક પરપ્રાંતિય યુવકને કોલોનીમાં રહેતા અન્ય બે ઇસમોએ માર માર્યો હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.
મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશનો રહીશ બાબુજી કેશવભાઇ લોનિયા નામનો યુવક ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં એક કંપનીમાં મજુરી કામ કરે છે, અને કંપનીની લેબર કોલોનીમાં રહે છે. ગત તા.૨૩ મીના રોજ આ યુવક રાત્રે જમીને સુતો હતો ત્યારે તે દરમિયાન કોલોનીમાં રહેતો પંકજકુમાર ભારતી નામનો ઇસમ ત્યાં આવ્યો હતો અને બાબુજીને ગાળો દેવા લાગેલ. ગાળો બોલવાનું ના કહેતા તેણે ઉશ્કેરાઇને બાબુજી સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન તે સમયે કોલોનીમાં જ રહેતો શંકરભાઇ કૈલાશનાથ પ્રસાદ નામનો બીજો ઇસમ હાથમાં લાકડી લઇને આવ્યો હતો અને “તું જતા આવતા મારા ઘરમાં કેમ જોયા કરે છે?” એમ કહીને બાબુજીને લાકડીના સપાટા માર્યા હતા. કોલોનીમાં રહેતા બીજા કેટલાક લોકોએ વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ બાબુજીને પગ પર ઘુંટણ નીચે ફેકચર થયું હતું. તેને સારવાર માટે અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાનામાં લઇ જવાયો હતો. આ બાબતે ઇજાગ્રસ્ત યુવક બાબુજી કેશવભાઇ લોનિયાએ તેના પર હુમલો કરનાર અન્ય બે પરપ્રાંતિય ઇસમો શંકરભાઈ કૈલાશનાથ પ્રસાદ તેમજ પંકજકુમાર ભગવાનદાસ બહાદુર ભારતી બન્ને મુળ રહે.મધ્યપ્રદેશના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ