ઝઘડીયા તાલુકામાં ગત તા.૧૯ મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઇ હતી. તેના એક મહિના બાદ તા.૧૯ મી જાન્યુઆરીના રોજથી તાલુકાની ગ્રામ પંચાયતોના ઉપસરપંચોની ચુંટણી યોજવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘણી ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચો બિનહરિફ નિમાયા જ્યારે કોઇકોઇ સ્થળે બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ઉપસરપંચ પદ માટે ખેંચતાણ જોવા મળી હતી. ગ્રામ પંચાયતોની નવી ટર્મની પ્રથમ બેઠકમાં ઉપસરપંચો નિમાયા બાદ સરપંચ ઉપસરપંચ તેમજ પંચાયત સદસ્યોએ વિધિવત રીતે પંચાયતોમાં સત્તા સંભાળી હતી. આજરોજ ઝઘડિયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે બેઠક મળી હતી. જેમાં અધ્યાસી અધિકારી આશિષ પટેલ તેમજ દુ.વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટીની ઉપસ્થિતીમાં વિજેતા સરપંચ તરીકે મુકેશભાઈ ઉક્કડભાઈ વસાવાને સરપંચ પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ઉપ સરપંચ તરીકે આસીફભાઈ એહમદભાઈ શેખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉપ સરપંચની ચુંટણીના અન્ય ઉમેદવારનું ઉમેદવારી પત્ર કોઇ કારણોસર રદ થતાં ઉપ સરપંચ પદના બીજા ઉમેદવાર આસિફ શેખને ઉપ સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા. નવ નિયુક્ત ઉપ સરપંચ આસિફ શેખની ઉપ સરપંચ તરીકે વરણી થતાં તેમના સમર્થકો દ્વારા તેમને અભિનંદન આપવામા આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ