ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ હારેલા અને જીતેલા ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ બની રહી છે. તાલુકાના તરસાલી ગામે પણ ચુંટણીની અદાવતે વિવાદ વકરી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે. તરસાલીના મારૂફ રહીશ અહેમદ મલેકે રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ તા.૨૦ મીના રોજ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચની વરણી થવાની હોઇ મારૂફ તેમજ સરપંચ અને ચુંટાયેલા સભ્યો સાંજના પોણા પાંચેક વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચ્યા હતા. તે વખતે સામા પક્ષના હુશેનભાઇ મહંમદરસુલ શેખ (માજી સરપંચ) સહિતના કુલ ૪૦ જેટલા ઇસમો (મહિલાઓ સહિતના) લાકડીઓ દંડાથી હુમલો કરીને આ લોકોને મારવા લાગ્યા હતા. દરમિયાન ચુંટાયેલા સભ્યો મારની બીકે પંચાયતની ઓફિસમાં જતા રહ્યા હતા. મારૂફનું ઘર નજીકમાં હોવાથી તે દોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ તે લોકોએ ઘરની બહાર પાર્ક કરેલ અલ્ટ્રો ગાડીને સપાટા તેમજ છુટા પત્થર મારતા ગાડીનો કાચ તુટી ગયો હતો. ઉપરાંત ઓટલા પર બેઠેલા મારૂફના માતાને પણ છુટો પત્થર વાગ્યો હતો. ઉપરાંત આ લોકોએ બીજા અન્ય કેટલાક માણસોને પણ માર્યા હતા. અને હવે પછી પંચાયતની ઓફિસે આવશો તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી આપી હતી. ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને ઉપ સરપંચની વરણી સમયે આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે મારૂફ રહીશ અહેમદ મલેક રહે.તરસાલી તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ માજી સરપંચ હુશેનભાઇ મહંમદરસુલ શેખ સહિત કુલ ૪૦ ઇસમો (મહિલાઓ સહિતના) વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ