ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા કિનારાના વિસ્તારમાં મોટાપાયે શેરડીનું વાવેતર થાય છે. ઝઘડિયાની બંને તરફ સુગર ફેકટરીઓ હોવાના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીનો પાક લે છે. શેરડીના ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. હાલમાં મળતી વિગતો મુજબ ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતા દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણે વાઘપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં શેરડીનું વાવેતર કર્યુ છે. આ શેરડીના ખેતરમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકશાન થયુ હતું.
આ અંગે ખેડૂત દિગ્વિજયસિંહ ચૌહાણે વીજ કંપની તથા ઝઘડિયા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વાઘપુરા ગામની સીમમાં તેમણે શેરડી વાવેતર કરેલ ખેતીની જમીનમાં થઈને વીજલાઇનના વાયર પસાર થાય છે. ગત તા.૧૬ મીના રોજ વીજ વાયરમાં સ્પાર્કિંગ થતા તેમના ખેતરમાંની શેરડીનો ઊભો પાક બળી ગયેલ છે. શેરડીનો પાક બળી જવાથી આ ખેડૂતને બે લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે. જેથી તેમણે નુકસાનના વળતરની રકમ મેળવવા ડીજીવીસીએલ કચેરી તથા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ