ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી ચુંટણીની અદાવતે અવારનવાર ઝઘડાઓ થતા હોવાની વાતો સામે આવી છે. આ ઝઘડાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હોઇ પોલીસમાં ફરિયાદો નોંધાતી હોય છે.
ઢુંઢા ગામનો એક ઇસમ ભેંસો ચરાવવા ફિચવાડા ગામની સીમમાં ગયો હતો ત્યારે કેટલાક લોકોએ તેને જાતિ વિષયક ગાળો બોલીને માર માર્યો હોવા બાબતે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ઢુંઢા ગામે રહેતા મનુભાઇ ફકીરભાઇ વસાવા ગત તા.૯ મીના રોજ સવારના ભેંસો ચરાવવા માટે ફિચવાડા ગામની સીમમાં ગયા હતા, તે વખતે કનકસિંહ કાછેલા રહે.દુ.વાઘપુરાના તેમની ફોરવ્હિલ ગાડી રોડ પર ઉભી રાખીને રોડ પર મોટરસાયકલ લઇને ઉભેલા હરેન્દ્રસિંહ કાછેલા રહે.ફિચવાડા તા.ઝઘડીયાના સાથે વાતો કરતા હતા. આ દરમિયાન મનુભાઇની ભેંસનું શિંગડુ ફોરવ્હિલ ગાડીને વાગી જતા ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને કનકસિંહ કાછેલા હાથમાં લાકડી લઇને ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને તેમની સાથે બેઠેલા ધર્મેન્દ્રસિંહ ઘરિયા અને યશપાલસિંહ કાછેલા બન્ને રહે.સ.ફિચવાડાના પણ નીચે ઉતર્યા હતા. કનકસિંહ કાછેલાએ તેમના હાથમાંની લાકડીના ગોદા મનુભાઇને માર્યા હતા અને માબેન સમાણી ગાળો દીધી હતી. તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઘરીયા અને યશપાલસિંહ કાછેલાએ તેમને ઢિકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત તેમની પાછળની બીજી ગાડીમાંથી પણ બીજા કેટલાક ઇસમો ખાલી હાથે નીચે ઉતર્યા હતા અને માબેન સમાણી ગાળો બોલ્યા હતા, અને તે બધાએ એકસંપ થઇને મનુભાઇને માર માર્યો હતો. મનુભાઈએ બુમાબુમ કરતા તેમના પરિવારજનો તેમને બચાવવા ત્યાં દોડી આવ્યા હતા, ત્યારે એ લોકોએ તેમને પણ ગાળો દઇને મારી નાંખવાની ધમકી આપી હતી. તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે આ ઝઘડો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ત્યારબાદ આ ઝઘડા બાબતે બન્ને પક્ષો વચ્ચે સમાધાનની વાતો ચાલી હતી, પરંતું સમાધાન નહિ થતાં મનુભાઇ ફકીરભાઇ વસાવા રહે.ગામ ઢુંઢા તા.ઝઘડીયા જિ.ભરુચનાએ તા.૧૪ મીના રોજ કનકસિંહ સંજાણસિંહ કાછેલા રહે.ઉમલ્લા તા.ઝઘડીયા, હરેન્દ્રસિંહ દોલતસિંહ કાછેલા રહે.ફિચવાડા તા.ઝઘડીયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ કાછેલા રહે.ફિચવાડા તા.ઝઘડીયા, ધર્મેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ઘરીયા રહે.ફિચવાડા તા.ઝઘડીયા, કનુભાઇ ધનજીભાઇ વસાવા રહે.ફિચવાડા તા.ઝઘડીયા, અંબુભાઇ ધનજીભાઇ વસાવા રહે.ફિચવાડા તા.ઝઘડીયા, જેસીંગભાઇ મેલસીંગભાઇ વસાવા રહે.ખોડીઆંબલી ગામ ફિચવાડા તા.ઝઘડીયા અને રાજનભાઇ ભીખાભાઈ વસાવા રહે. ખોડીઆંબલી ગામ ફિચવાડા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ