ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના કિનારાના ગામોમાં તથા જીએમડીસી વિસ્તારના ગામોમાં થતી ખનીજ ખનન પ્રક્રિયા દરમિયાન ખનિજ વહનના વાહનોના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની બુમો ઉઠવા પામી છે. સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની તેમજ પ્રદૂષણ ફેલાતું હોવાની બુમો વારંવાર ચર્ચામાં આવતી હોય છે.
આજરોજ ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામના ૩૦ થી વધુ ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટરને સંબોધીને કરેલ ફરિયાદની નકલ રાજપારડી પોલીસને આપી છે. ફરિયાદમાં જણાવાયુ છે કે તેમના ગામમાં સરકાર દ્વારા ગામ લોકોની અવરજવર કરવાની સારી સુવિધા મળે તેવા આશયથી શેરીમાં ડામર રસ્તો બનાવેલ છે, આ રસ્તા પર રેતી માફિયાઓ અને રાજકીય વગદાર વ્યક્તિઓ સ્થાનિક લોકોની પરવા કર્યા વગર ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો રાત દિવસ વહન કરી રહેલ છે, જે સામે સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ આ કૃત્ય ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે જણાવાયુ છે કે રેતી ઉલેચી ગેરકાયદેસર રીતે વહન કરનારાઓ તેમના મળતીયા ભાડૂતી ઈસમો દ્વારા લોકોને કાયદાકીય રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. અને ફરિયાદમાં જણાવાયા મુજબના બંને ઈસમો બિન આદિવાસી છે, બનાવટી આદિવાસી બની સમાજમાં અરાજકતા ફેલાવે છે, તેવી કેફીયત સાથે ગ્રામજનોએ રજુઆત કરતા પંથકમા ચકચાર મચી જવા પામી છે. આ રસ્તા ઉપર દૈનિક આશરે ૧૦૦ થી વધુ ટ્રકો બેફામપણે ગામના જાહેર વહન કરીને ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી હેરાન કરવામા આવે છે. ગામની સ્કૂલ અને આંગણવાડી સામેથી બેફામ રીતે ટ્રકો પસાર થાય છે જેથી શાળા અને આંગણવાડીના માસુમ બાળકોના આરોગ્ય પર પણ સીધી અસર થઇ રહેલ હોવાનુ જણાવાયુ છે. રેતી લઇને પસાર થતી ટ્રકો મર્યાદા બહાર રેતી પરિવહન કરે છે આ માટે જવાબદાર કોણ તેમ ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે અમારી ફરિયાદની તાત્કાલિક કાર્યવાહી નહી કરવામાં આવે તો નાછુટકે અમો અસરગ્રસ્ત ગ્રામજનોએ સ્કૂલનાં બાળકોની સાથે ગામમાંથી પસાર થતા રસ્તા ઉપર આવી ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તો રોકવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું.