ભરૂચ જિલ્લાના અંકલેશ્વરને રાજપિપલા સાથે જોડતો ધોરીમાર્ગ તેના પરથી પસાર થતા વાહનોની મોટી સંખ્યાને લઇને મહત્વનો માર્ગ ગણાય છે. આ માર્ગ પર અવારનવાર રસ્તા વચ્ચે કોઇ ભારે વાહન ખોટકાતુ હોવાની સમસ્યા રોજિંદી બની ગઇ છે. આને લઇને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનો માટે હાડમારી સર્જાય છે. બગડેલા વાહનને લઇને ઘણીવાર ટ્રાફિક ગુંચવાય છે. આજે બપોરના સમયે ઝઘડીયાની આગળ ગુમાનદેવ અને નાનાસાંજા વચ્ચેની રેલવે ફાટક પર એક રેતી ભરેલી ટ્રક બંધ પડી જતા ચક્કાજામ સર્જાયો હતો. તેને લઇને બન્ને તરફ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી અને કલાક ઉપરાંતના સમય સુધી વાહનચાલકો અટવાયા હતા. આ ધોરીમાર્ગની બંધ પડેલ ચારમાર્ગીય કામગીરી બાદ માર્ગ ઠેરઠેર બિસ્માર બની ગયો છે. તેમાં અધુરામાં પુરુ રસ્તા વચ્ચે કોઇ વાહન બંધ પડી જાય ત્યારે બેવડી સમસ્યા સર્જાય છે. થોડા દિવસો અગાઉ રાજપારડી નજીક માધુમતિ નદીના પુલ પર કોઇ વાહન ખોટકાતા સતત બે વાર વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. ભારે વાહનો રસ્તા વચ્ચે ખોટકાતા હોવાથી ટ્રાફિક ગુંચવાવાની સમસ્યા જાણે રોજિંદી બની ગઇ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયાના નાનાસાંજા ફાટક પર એક ટ્રક ખોટકાતા બે કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી.
Advertisement