ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસને ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પાણેથા ગામે અજયભાઇ ખોડાભાઇ વસાવા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો લાવીને વેચાણ કરે છે. પોલીસે બાતમી મળ્યા મુજબના સ્થળે છાપો મારતા અજયભાઇ ખોડાભાઇ વસાવા રહે. ચીમનવાળુ ફળિયું પાણેથા તા.ઝઘડીયાના મીણિયા કોથળામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે મીણિયા કોથળામાં રાખેલ રૂ.૯૬૦૦ ની કિંમતની દારૂની કુલ ૨૪ બોટલો કબ્જે લઇને અજય ખોડા વસાવાને પકડી લીધો હતો. આ મુદ્દામાલ ઝઘડીયા તાલુકાના સંજાલીના સંજયભાઇ સોમાભાઇ વસાવા આપી ગયેલ હોવાની જાણ થતા એલસીબી એ આ બન્ને ઇસમો વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દારુ ઝડપાતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ