ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો હટાવવા બાબતે થયેલા ઝઘડામાં એક ઇસમ પર હુમલો કરાતા ઇજાગ્રસ્ત ઇસમે બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સરકારી બોરીદ્રા ગામે રહેતો મુકેશભાઇ છીતાભાઇ વસાવા નામનો યુવાન ગત તા.૨૯ મીના રોજ સાંજના સાતેક વાગ્યાના સમયે ફળિયામાં આવેલ દુકાને ગયો હતો. તે વખતે ગામના મહેશભાઇ ચંદુભાઇ વસાવા, દેવલસિંગભાઇ વસાવા, નીરુબેન દેવલસિંગભાઇ વસાવા તેમજ ટીનીબેન મહેશભાઇ વસાવા તેને મળ્યા હતા અને જણાવ્યુ હતુકે તમે ઢોર બાંધો છો તે જગ્યા અમારી છે, અને અમે ત્યાં ઘર બાંધવાના છીએ. તુ ત્યાંથી ઉકરડો હટાવી લેજે. આ સાંભળીને મુકેશે જણાવેલ કે અહિં ક્યાંથી તમારી જગ્યા હોવાની, ત્યારે આ સાંભળતા મુકેશને માબેન સમાણી ગાળો દઇને લાકડીના સપાટા માથા પર તેમજ શરીરના અન્ય ભાગો પર માર્યા હતા. ઉપરાંત ઢિકાપાટુનો માર પણ તેને માર્યો હતો. આ હુમલામાં તેને માથામાં વાગેલ હોઇ લોહી નીકળ્યુ હતુ. ઇજાગ્રસ્ત મુકેશને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ બાબતે ઇજાગ્રસ્ત મુકેશભાઇ છીતાભાઇ વસાવા રહે.ગામ સરકારી બોરીદ્રા તા.ઝઘડીયાનાએ વનિતાબેન વસાવા, ટીનીબેન વસાવા, દેવલસિંગ ચંદુભાઇ વસાવા તેમજ મહેશભાઇ ચંદુભાઇ વસાવા તમામ રહે. ગામ સરકારી બોરીદ્રા તા.ઝઘડીયાના વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ