ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નસીમબાનું ખોખરનું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સમ્માન કરવામાં આવ્યુ છે. મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત ગોરક્ષ શક્તિધામ સેવાર્થ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ કલા અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોનો સમ્માન સમારંભ તાજેતરમાં ભારતમાતા મંદિર ઉજ્જૈન ખાતે યોજાયો હતો. ૨૫ મી ડિસેમ્બરના રોજ ભારતરત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપાઈ તથા પંડિત મદનમોહન માલવિયાના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમ અખિલ ભારતીય સારસ્વત સન્માન સમારંભમાં દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલ સારસ્વતોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લાના ખાખરીપુરા શાળાના આચાર્ય નસીમબેન ખોખરની પસંદગી થતાં આ કાર્યક્રમમાં શાલ, ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યુ. આ નિમિત્તે ગુજરાતના સાત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના ચાર, પંચમહાલ જિલ્લાના એક, ગાંધીનગર જિલ્લાના એક અને ભરૂચ જિલ્લાના નસીમબેન ખોખરનો સમાવેશ થાય છે. મુળ વડોદરા જિલ્લાના શિનોરના વતની નશીમબેન ખોખર છેલ્લા ૨૧ વર્ષથી ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ એક શિક્ષક તરીકે શૈક્ષણિક કામગીરીની સાથેસાથે કવિતા લખવાનો પણ શોખ ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ તેમની છ જેટલી કવિતાઓ પાંચ પુસ્તકોમાં સ્થાન પામી છે. એક શિક્ષક અને સાહિત્યકાર તરીકે તેઓને ઘણી સંસ્થાઓએ સન્માનિત કર્યા છે. જેમાં અન્ય રાજ્યો છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેવા રાજ્યોની વિવિધ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. કોરોના સમયે લોકડાઉન દરમિયાન તેઓને વિવિધ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં પ્રમાણપત્રો અને સન્માનપત્રો અપાયા હતા. આમ નશીમબેને એક શિક્ષકની સાથેસાથે કવિતાઓની રચના દ્વારા એક સાહિત્યકાર તરીકે પણ નામના મેળવી છે. અન્ય રાજ્યની સંસ્થા દ્વારા સન્માનિત કરાયેલ ગુજરાતના સાત સારસ્વતોમાં સ્થાન મેળવીને નશીમબેન ખોખરે સમાજનું તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયા તાલુકાના ખાખરીપુરા શાળાના આચાર્યનું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સન્માન.
Advertisement