ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચૂંટણીના પરિણામ આવ્યાને દસ દિવસ બાદ પણ ચૂંટણીના પરિણામના આફ્ટરશોક તાલુકાભરમાં દેખાઇ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાની સ્થાનિક ચૂંટણીમાં સીધું નુકસાન સ્થાનિકોને જ કોઇ વિઘ્નસંતોષીઓ દ્વારા પહોંચાડવામાં આવતું હોય છે.
ગત રાત્રિએ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૭૦ વિંઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલ શેરડીના પાકને કોઇ વિઘ્નસંતોષી દ્વારા આગ લગાડી દેવાઈ હોવાની ઘટના બહાર આવવા પામી છે. આ બાબતે રાણીપુરા ગામના સંજયભાઈ મહેન્દ્રભાઈ દેસાઈએ ઝઘડિયા પોલીસ મથકમાં આપેલ લેખિત ફરિયાદમાં જણાવાયુ હતુ કે ગત રાત્રિએ તેઓ ગામના પાદરમાં વોલીબોલ રમતા હતા ત્યારે સીમ તરફથી શેરડી સળગતી હોય તેવું જણાયું હતું, જેથી ખેડૂતો સીમમાં પહોંચ્યા હતા ત્યારે રાણીપુરા ગામની મકોડીયા વગો, કાછી વગો, ઝોરા વગા, ચાળીયા વગાની સીમમાં આવેલ કેટલાક ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ શેરડીનો પાક સળગતો જણાયો હતો. કોઈ વિઘ્નસંતોષીઓ દ્વારા આ ખેતરોમાં આગ લગાડી હોવાનું મનાય છે. આગે વિકરાળ સ્વરૂપ લેતા તેને અટકાવવાનું અશક્ય બન્યું હતું. આગ લાગવાની આ ઘટનામાં રાણીપુરા ગામના ૧૬ જેટલા ખેડૂતોનો શેરડીનો પાક ખેડૂતોની નજર સામે બળી ગયો હતો. કુલ ૭૦ વિંઘા જેટલી જમીનમાં વાવેતર કરેલ શેરડી સળગી જતા આ ખેડૂતોને રુ.પાંચ લાખથી વધુ નુકશાન ભોગવવું પડ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ પાછલા કેટલાક વર્ષો દરમિયાન ગામમાં આવી કોઈ ઘટના બની નથી, પરંતુ ચાલુ સાલે દશ વર્ષ બાદ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી અને તેની અદાવતે ખેડૂતોની ઉભી શેરડીનો પાક કોઇ વિઘ્નસંતોષીઓ દ્વારા સળગાવી દેવાયો હોવાની શંકા જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ