ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ગતરોજ દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુપાલન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ દુધધારા અને સહજાનંદ દુધ ઉત્પાદક મંડળી સારસાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દુધ ઉત્પાદક મંડળીના યોગેશ પટેલે ઉપસ્થિતોને આવકાર્યા હતા. ભરૂચ દુધધારાના પશુ તજજ્ઞો કૌશિક પ્રજાપતિ અને ડો.સંજીવકુમાર દ્વારા અત્રે ઉપસ્થિત પશુપાલકોને પશુપાલનને લગતી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
પશુઓ માટે સમતોલ આહારની જરુર, બિજદાન ક્યારે કરવુ, પશુઓને અપાતા વિવિધ ખોરાકોના ફાયદા અને નુકશાન, ઘાસના પ્રકાર અને ફાયદા, પશુઓના બચ્ચાને આપવાના ખોરાક, પશુઓને આપવાની દવાઓનો યોગ્ય સમયે અને જરુરી માત્રામાં ઉપયોગ, બચ્ચા ઉછેરની આધુનિક પ્રધ્ધતિ, પશુઓમાં આવતા રોગ અને તેનું નિવારણ વિ.જેવી જરુરી જાણકારીથી ઉપસ્થિત પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે, પશુપાલન અને ખેતી એક જ સિક્કાની બે બાજુઓ ગણાય છે ત્યારે ગ્રામ્ય સ્તરે પશુપાલન પરિવારો માટે આજીવિકાનું સાધન ગણાય છે. તેથી પશુપાલનના વ્યવસાય દ્વારા પશુપાલકો તેને લગતી આધુનિક પ્રધ્ધતિઓની જાણકારી મેળવીને દુધ ઉત્પાદન ક્ષેત્રે પ્રગતિ કરી શકે તે માટે ગ્રામ્ય સ્તરે સમયાંતરે આવા સેમિનારો યોજાય તે આવકાર્ય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ