ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગ્રામ પંચાયતની ચુંટણીમા વિજેતા થયેલ ઉર્મિલાબેન વિઠ્ઠલભાઇ વસાવા દ્વારા તા.૨૪ મીના રોજ બેન્ડ સાથે રંદેરી ગામે વિજય સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. રાતના ૧૨ વાગ્યા પછી પણ સરઘસ ચાલુ રખાતા તેમાં ભેગા થયેલ લોકો દ્વારા બેન્ડ વગાડીને જોરશોરથી બુમ બરાડા પડાતા હતા. તેને લઇને સામાન્ય પ્રજાને ત્રાસ પડતો હોવાથી તે બાબતની જાણ ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ ઝઘડીયા પીઆઇ વસાવાને થતા ટીમ સાથે રંદેરી ગામે જઇને બેન્ડ બંધ કરાવવાનુ જણાવ્યુ હતુ. રાતના દસ વાગ્યા પછી વિજય સરઘસની પરવાનગી ન હતી. પોલીસે બેન્ડ બંધ કરાવવાનુ જણાવતા આમાં ભેગા થયેલ ઇસમો પૈકી કોઇકે ગામની સ્ટ્રીટ લાઇટ બંધ કરી દીધી હતી. અને પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરીને હુમલો કરીને ઝપાઝપી કરી હતી. ઉપરાંત કોવિડ ગાઇડ લાઇન્સનો ભંગ કર્યો હતો. આ બનાવને લઇને ઝઘડીયા પીઆઇ વસાવાએ જાતે ફરિયાદી બનીને સ્વરુપભાઇ દેવજીભાઇ વસાવા, કલ્પેશભાઇ વજેસંગ પટેલ અને સંજયભાઇ ઉક્કડભાઇ વસાવા તમામ રહે.ગામ તલોદરા તેમજ સન્મુખભાઇ વસાવા અને બીજા ૧૫ થી ૨૦ જેટલા માણસો સામે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ