ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામ બાદ તાલુકાના કેટલાક ગામોમાં બે પક્ષો વચ્ચે ચુંટણીની અદાવતે ઝઘડાઓ થતા હોવાની ફરિયાદો બહાર આવી રહી છે. તાલુકાના હિંગોરીયા ગામે રહેતા આઠુબેન દેવજીભાઇ વસાવાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમણે હાલમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં મોટા સોરવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ઉમેદવારી કરી હતી. ચુંટણીમાં તેમની હાર થઇ હતી.
ગત તા.૨૧ મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં તેમના હરીફ પક્ષના જીતેલા ઉમેદવારના સમર્થકો જીતની ખુશીમાં તેમના ફળિયામાં આવીને ફટાકડા ફોડતા હતા. ફટાકડાને લઇને તેમની ભેંસો ભડકતી હોવાથી આઠુબેનના છોકરા રાજેશે ઘરની બહાર આવીને ફટાકડા ફોડવાનું ના કહ્યુ હતુ, જેથી ત્યાં હાજર મેહુલભાઇ ચતુરભાઇ વસાવા રહે.હિંગોરીયા તા.ઝઘડીયા, અરુણભાઇ પ્રભાતભાઇ વસાવા રહે.આંબાખાડી તા.ઝઘડીયા તેમજ હેનશનભાઇ અશ્વિનભાઇ વસાવા રહે.હિંગોરીયાના એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે અમે તમારા ઘરમાં આવીને પણ ફટાકડા ફોડીશુ. તમે બહુ ચુંટણી લડવાવાળા છો. તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. તેમનું ઉપરાણું લઇને સરપંચ ઉમેદવારના પતિ નિલેશભાઇ કંચનભાઇ વસાવા તેમજ અન્ય ઇસમો ટોળુ લઇને આવ્યા હતા અને તે પૈકી કેટલાકે આ લોકો સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેઓએ મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આઠુબેનને પેટના ભાગે દુખાવો થતા તેમને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજપિપલા લઇ જવાયા હતા. ફરિયાદી આઠુબેન વસાવાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે કુલ ૧૦ જેટલા ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ