ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ચુંટણી યોજાયેલ ૬૭ ગ્રામ પંચાયતોના પરિણામો ગતરોજ મોડી રાત સુધી જાહેર થઇ ગયા હતા. દરમિયાન તાલુકાના દધેડા ગામે વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ મતગણતરીને અનુલક્ષીને ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દધેડા ગામે વિજયી ઉમેદવારને વિરોધ પક્ષ સાથે બોલાચાલી થયાની ખબર મળી હતી. પોલીસે દધેડા ગામે જઇને તપાસ કરતા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર કરુણાબેન જયેશભાઇ વસાવાના પતિ જયેશભાઇ રતિલાલ વસાવાએ લાઉડ સ્પીકર ડીજે લાવીને ગામમાં વિજય સરઘસ કાઢ્યુ હોવાની જાણ થઇ હતી. વિજય સરઘસમાં ઘણા માણસો ભેગા થયેલ હતા તેમજ વિજય સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી નહિ લીધી હોવાની જાણ થઇ હતી. આ બાબતે ઝઘડીયા પોલીસે ડીજે ઓપરેટર જિગ્નેશભાઇ મોહનભાઇ પવાર રહે.અંકલેશ્વર, ડીજે સાઉન્ડના ભાગીદાર મહેશભાઇ ઉર્ફે ભાયો વસાવા રહે.નવાદિવા તા.અંકલેશ્વર, ટેમ્પો ચાલક રાહુલભાઇ રમેશભાઈ વસાવા રહે.સારંગપુર, કરુણાબેન જયેશભાઇ વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડીયા તેમજ જયેશભાઇ રતિલાલ વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુના હેઠળ લાઉડ સ્પીકર નંગ ૮, એક જનરેટર, એક લેપટોપ અને આયશર ટેમ્પો મળીને કુલ રુ.૭૨૫૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ