ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીદ્રા ગામે ફટાકડા ફોડવાની વાતે બોલાચાલી થતા લાકડીના સપાટા માર્યા હોવાની ફરિયાદ લખાવા પામી છે.
આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં બોરીદ્રા ગામે રહેતો મેલસંગભાઇ શનાભાઇ વસાવા તેના પરિવારજનો સાથે ઘરે હાજર હતો અને ઘરની બહાર ફટાકડા ફોડતો હતો, તે દરમિયાન મેલસંગના ઘરની સામે રહેતા લક્ષ્મણભાઇ નવલસીંગભાઇ વસાવા અને મુકેશભાઇ નવલસીંગભાઇ વસાવા લાકડી લઇને આવ્યા હતા, અને કહેવા લાગ્યા કે અહીં કેમ ફટાકડા ફોડે છે? આ સાંભળીને મેલસંગે તેમને જણાવેલ કે અમારા આંગણામાં ફોડુ છુ. ત્યારે લક્ષ્મણે તેના હાથમાની લાકડીનો સપાટો મેલસંગને ડાબા હાથના ખભાની નીચે બાવડા પર મારી દીધો હતો. અને બીજો સપાટો મારતા મેલસંગની પત્નિ પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા તેને ડાબા હાથ પર ઇજા થઇ હતી. મુકેશે પણ મેલસંગને પગ પર સપાટો માર્યો હતો. ત્યારબાદ ગાળો બોલીને જતા રહેલ. આ બાબતે મેલસંગભાઇ શનાભાઇ વસાવા રહે.ગામ બોરીદ્રા તા.ઝઘડીયાનાએ ઉપરોક્ત બન્ને ઇસમો વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.